વ્યારાના બાલપુર ગામની સીમમાં ભેંસોના ગેરકાયદે અને ક્રૂરતાપૂર્વક પરિવહનનો થઈ રહ્યાંની જાણ થતા વ્યારા પોલીસ દ્વારા લાકડાની આડશ મારી અંદર 16 ભેંસ ભરેલો ટેમ્પો સહિત કુલ રૂ. 10.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચાલક ટેમ્પો મૂકી ભાગી ગયો હતો. વ્યારા પોલીસ કર્મી પોકો આનંદભાઈ ગામીતે નોંધાવેલી ફરિયાદ મુજબ, પો.સ્ટે. અમલદાર તરફથી મળેલી માહિતીના આધારે ટેમ્પો નં. GJ-26-U-6591 વ્યારા પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પાના પાછળના ભાગે લાકડાના પાટિયા લગાવી છૂપાવી રાખેલ કુલ 16 ભેંસો મળી આવી હતી. પોલીસ જણાવ્યા મુજબ ભેંસોને ટુંકી દોરી વડે બાંધવામાં આવી હતી, તેમજ કોઈ ઘાસચારો, પાણી કે સારવારની વ્યવસ્થા નહોતી. ભેંસોની અંદાજિત કિંમત રૂ. 3,20,000 અને ટેમ્પોની કિંમત રૂ. 7,00,000 મળી કુલ રૂ. 10,20,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે. ઘટનાસ્થળે ટેમ્પો મુકીને ચાલક ફરાર થઈ ગયો હતો. 112 મોબાઇલ સ્ટાફ એ.એસ.આઈ. શકેશભાઈ રમેશભાઈ, એ.એસ.આઈ. કૈલાશભાઈ ગોરખભાઈ તથા GRD જવાન નિતેશભાઈ રામસિંહભાઈએ ટેમ્પો વિશેની વિગતો આપી હતી. આ બનાવ અંગે અજાણી ઓળખ ધરાવતા ટેમ્પો ચાલક સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
પોલીસ કાર્યવાહી:વ્યારામાં 16 ભેંસ ટેમ્પો પકડાયો 10.20 લાખનો મુદ્દામાલ કબજે
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
