સમસ્યા નિવારણ માટે યૂથ કોંગ્રેસના પ્રમુખે કરી માગણી‎:રીબડામાં એકસાથે બે ટ્રેનનું ક્રોસિંગ હોવાથી રાજકોટ અપડાઉન કરતા મુસાફરો પરેશાન

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

ટ્રેનનું ક્રોસિંગ ભક્તિનગર કરવા યૂથ કોંગ્રેસના પ્રમુખે કરી માગણી ભાસ્કર ન્યૂઝ | ગોંડલ વેરાવળથી રાજકોટ જતી ટ્રેનનું ક્રોસિંગ રીબડામાં થઈ રહ્યું હતું, પરંતુ પોરબંદર તરફથી શરૂ કરાયેલી બે નવી ટ્રેનોને કારણે સવારે રીબડા સ્ટેશન પર બબ્બે ટ્રેનોનું ક્રોસિંગ થતું હોવાથી પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા હતા, આવી સ્થિતિથી અકળાયેલા મુસાફરોની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી હતી. આ સંજોગોમાં યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલાએ ગોંડલ રેલ્વે સ્ટેશન પર દોડી જઈ સ્ટેશન માસ્ટરને ઉગ્ર રજુઆત કરી હતી અને ઉકેલ ન મળે તો રેલરોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ઝાલાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વેરાવળથી રાજકોટ જતી ટ્રેન રોજ સવારે સાડા નવ કલાકે પહોંચે છે, પરંતુ છેલ્લા અઠવાડિયાથી શરૂ કરાયેલી રાજકોટ–પોરબંદર ટ્રેનનું ક્રોસિંગ સવારે નવ કલાકે રીબડા સ્ટેશને થઈ રહ્યું છે. તે જ સમયે રાજકોટથી વેરાવળ જતી ટ્રેનનું ક્રોસિંગ પહેલાથી જ રીબડામાં નક્કી હોવાથી બબ્બે ટ્રેનો એકસાથા ક્રોસ થવા લાગે છે. આ કારણે રાજકોટ જતા પેસેન્જરોને રીબડા સ્ટેશને અડધા થી પોણો કલાક સુધી રોકાવું પડે છે. પ્રતિપાલસિંહ ઝાલાએ માંગ કરી હતી કે આ બન્ને ટ્રેનોનું ક્રોસિંગ રીબડાની બદલે ભક્તિનગર રેલ્વે સ્ટેશને કરવામાં આવે તો મુસાફરોનો સમય બચી શકે છે અને લોકોને નોકરી–ધંધે સમયસર પહોંચવા સહયોગ મળશે. વેરાવળથી રાજકોટ જતા મુસાફરોમાં જુનાગઢ, જેતલસર, જેતપુર અને ગોંડલ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો રોજ મુસાફરી કરે છે. રીબડામાં બબ્બે ટ્રેનના ક્રોસિંગને કારણે તેમની હાલત કફોડી બની રહી છે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો રેલરોકો આંદોલન કરશે તેવી ચીમકી ઝાલાએ ઉચ્ચારી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *