દિલ્હી કેપિટલ્સના ક્રિકેટર અને બંગાળના વિકેટકીપર-બેટર અભિષેક પોરેલને જામીન મળી ગયા છે. ચિન્સુરાહ કોર્ટ દ્વારા તેમને એક મહિનાથી વધુ સમય કસ્ટડીમાં રહ્યા બાદ જામીન આપવામાં આવ્યા છે. પોરેલની 11 ઓગસ્ટે મેડિકલ વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર બળજબરીથી સંબંધ અને ધમકી સહિતના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ આરોપો હજુ કોર્ટમાં સાબિત થયા નથી અને કેસની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
અગાઉ જામીન અરજી થઈ હતી નામંજૂર
અભિષેક પોરેલની ધરપકડ બાદ ચિન્સુરાહ કોર્ટમાં તેમને જામીન આપવામાં આવ્યા નહોતા. 14 ઓગસ્ટે કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. ત્યારબાદ તેમના વકીલે ફરી જામીન માટે કાયદાકીય કાર્યવાહી કરી હતી. ઓગસ્ટના અંતમાં કલકત્તા હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી આપવાનો ઇનકાર કરીને નિયમિત રીતે જામીન અરજી કરવાની સૂચના આપી હતી.હવે ચિન્સુરાહ કોર્ટે તેમને જામીન આપ્યા છે. આ સાથે એક મહિનાથી વધુ સમય બાદ પોરેલને જેલમાંથી બહાર આવવાનો માર્ગ સાફ થયો છે.
મેડિકલ વિદ્યાર્થીનીએ શું આરોપ લગાવ્યા?
કેસની ફરિયાદ એક મેડિકલ વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, તે પોરેલ સાથે લાંબા સમયથી સંબંધમાં હતી અને બંને વચ્ચે લગ્નની વાત પણ થઈ હતી. ફરિયાદમાં સંબંધ દરમિયાન થયેલા કથિત જાતીય શોષણ, ધમકી અને ખાનગી સામગ્રીના દુરુપયોગ જેવા આરોપો લગાવવામાં આવ્યા હતા.કલકત્તા હાઈકોર્ટે અગાઉ પોલીસને પોરેલની ધરપકડ કરવા ઉપરાંત તેમના ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી કેસ સાથે જોડાયેલી ખાનગી સામગ્રીના સંભવિત પ્રસારને રોકી શકાય.પોરેલે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. આ કેસમાં અંતિમ નિર્ણય કોર્ટની કાર્યવાહી બાદ જ થશે.
IPLમાં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો
23 વર્ષીય અભિષેક પોરેલ IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે અને બંગાળનું સ્થાનિક ક્રિકેટમાં પ્રતિનિધિત્વ કરે છે. 2023માં IPLમાં પ્રવેશ કર્યા બાદ તેણે ટીમ માટે અનેક મેચ રમી છે.પોરેલે અત્યાર સુધી 35 IPL મેચમાં 769 રન બનાવ્યા છે અને તેના નામે 4 અડધી સદી છે. તે વિકેટકીપિંગની સાથે બેટિંગમાં પણ ટીમ માટે યોગદાન આપે છે.
બંગાળ માટે પણ કરે છે પ્રતિનિધિત્વ
સ્થાનિક ક્રિકેટમાં પોરેલ બંગાળ તરફથી રમે છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 32 મેચમાં 1408 રન બનાવ્યા છે. લિસ્ટ-A ક્રિકેટમાં તેના નામે 23 મેચમાં 833 રન છે, જ્યારે T20 ક્રિકેટમાં તેણે 61 મેચમાં 1590 રન બનાવ્યા છે.હવે જામીન મળ્યા બાદ પોરેલના ક્રિકેટ કરિયર અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, તેમની સામે ચાલી રહેલા કેસની કાયદેસરની પ્રક્રિયા ચાલુ રહેશે અને આરોપો અંગે અંતિમ નિર્ણય સંબંધિત કોર્ટની કાર્યવાહી બાદ જ આવશે.
આ પણ વાંચો – IND vs BAN Women Asian Games 2026 : સેમિફાઇનલમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે જામશે જંગ, આ રીતે ફ્રીમાં જોઈ શકો છે મેચ
