Ahmedabadના જજીસ બંગલો રોડ પર આવેલા પાન પાર્લરમાંથી રૂ.74,400ની રોકડ અને સિગારેટની ચોરી

📅 Published: August 27, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા કદમ કોમ્પ્લેક્સમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અહીં આવેલા જાણીતા ‘ચોઇસ પાન પાર્લર’ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રે અંધારાનો લાભ ઉઠાવીને ચાર જેટલા અજાણ્યા શખ્સો દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરીને અંદર પ્રવેશ્યા હતા. ચોરોએ કેશ કાઉન્ટર (ગલ્લા)માંથી રૂપિયા 48 હજારની રોકડ રકમ તેમજ રૂપિયા 26,400ની કિંમતના મોંઘી સિગારેટના પેકેટો મળીને કુલ રૂપિયા 74,400ના મત્તાની ચોરી આચરી હતી અને ફરાર થઈ ગયા હતા.

સીસીટીવીમાં કેદ થઈ ચોરીની સમગ્ર ઘટના 

સવારે જ્યારે દુકાનના કર્મચારીઓ નિત્યક્રમ મુજબ દુકાને પહોંચ્યા ત્યારે શટર વાંકું વળેલું જોવા મળ્યું હતું. દુકાન અંદર તપાસ કરતાં ગલ્લામાંથી રોકડ અને મોંઘી સિગારેટના પેકેટો ગાયબ જણાતાં ચોરી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. દુકાનમાલિકે સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસતાં રાત્રિના સમયે ચાર શખ્સો શટર ઊંચું કરીને અંદર ઘૂસી ચોરી કરતા સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા હતા.

વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી 

આ અંગે પાન પાર્લરના સંચાલક દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધીને ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે. સીસીટીવીમાં દેખાતા ચારેય તસ્કરોની ઓળખ સબબ અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *