અમદાવાદ શહેરના પીપળજ-ધોળકા રોડ પર એક અત્યંત ચિંતાજનક અને કરૂણ ઘટના સામે આવી છે. પીપળજ નજીક આવેલી એરીક પેકેજીંગ કંપનીની બાજુમાંથી પસાર થતી ગટર લાઈનમાં રમતાં રમતાં કે અકસ્માતે એક માસૂમ બાળકી અચાનક ખાબકી હતી. બાળકી ગટરમાં પડી હોવાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરી તથા અરેરાટી વ્યાપી ગઈ હતી.
40 ફૂટ ઊંડી ગટરમાં બાળકી ફસાતાં હાહાકાર
પ્રાથમિક માહિતી અનુસાર, બાળકી જે ગટરમાં પડી છે તે આશરે 40 ફૂટ જેટલી ઊંડી છે. બનાવની ત્વરિત જાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડની 2 વિશેષ રેસ્ક્યુ ટીમો તાત્કાલિક તમામ જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ
ફાયર વિભાગના જવાનો દ્વારા 40 ફૂટ ઊંડી ગટર લાઈનમાં ઓક્સિજન સિલિન્ડર, કેમેરા અને સ્પેશિયલ રેસ્ક્યુ ઈક્વિપમેન્ટ્સની મદદથી બાળકીની શોધખોળ અને તેને સલામત બહાર કાઢવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીનું સીધું સુપરવિઝન કરી રહ્યા છે.
