અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં માર્ગ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. પોતાની મોટરસાયકલ પર પસાર થઈ રહેલી એક મહિલાને પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલા ટુ-વ્હીલર ચાલકે જોરદાર અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.
અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
આ બનેલી ગોઝારી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી દ્રશ્યોમાં ટુ-વ્હીલર ચાલક કઈ રીતે બેફિકરાઈથી વાહન ચલાવીને મહિલાને ટક્કર મારે છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટના બનતાં જ આસપાસના લોકો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
પોલીસે સીસીટીવીના આધારે આરોપી ચાલકની ધરપકડ કરી
બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક મહિલાના મૂર્તદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસીને અકસ્માત સર્જનાર આરોપી ટુ-વ્હીલર ચાલકની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે અને આગળની સઘન તપાસ શરૂ કરી છે.
