અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા રામોલ વોર્ડમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સરદાર પટેલ રીંગ રોડ પર આવેલા રામોલ ટોલ ટેક્ષ પાસે અચાનક રસ્તો બેસી જતાં મોટો ભૂવો પડી ગયો છે. મુખ્ય માર્ગ પર સર્જાયેલા આ બેરિકેડ વગરના ભૂવાના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે મુશ્કેલી અને ભયનો માહોલ સર્જાયો છે.
ખુલ્લા ભૂવાને કારણે અકસ્માતનું જોખમ
રીંગ રોડ જેવા વ્યસ્ત અને ભારે વાહનોની સતત અવરજવર ધરાવતા માર્ગ પર આ ભૂવો પડતાં મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ભૂવો ખુલ્લો હોવાથી અને રાત્રિના સમયે યોગ્ય સાઈનબોર્ડ કે સુરક્ષા ચિહ્નોના અભાવે દ્વિચક્રી અને ચારચક્રી વાહનચાલકો તેમાં ખાબકે તેવી પૂરતી શક્યતા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આ બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગેની જાણ થતાં સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પૂર્વ ઝોનના રોડ પ્રોજેક્ટ વિભાગ અને સંબંધિત તંત્રને તાત્કાલિક જાણ કરી છે. સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટો હોનારત કે જાનહાનિ થાય તે પહેલાં કોર્પોરેશન દ્વારા આ ભૂવા પર તાત્કાલિક બેરિકેટિંગ કરવામાં આવે અને વહેલી તકે મજબૂત પુરાણ કામ કરીને રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે.
