અમદાવાદ શહેરના મુખ્ય વેપારી મથક એવા રિલીફ રોડ પર UPI પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના પ્રસ્તાવિત નિર્ણય સામે વેપારીઓએ આક્રમક વિરોધ નોંધાવ્યો છે. રિલીફ રોડના વેપારી મંડળ દ્વારા એકત્ર થઈને ‘NO UPI Day’ મનાવવામાં આવ્યો હતો. આ અનોખા વિરોધ પ્રદર્શન દરમિયાન વેપારીઓએ પોતાની દુકાનો બહાર મૂકેલા ડિજિટલ પેમેન્ટના QR કોડ પર કાળી પટ્ટીઓ બાંધી દીધી હતી અને ગ્રાહકો પાસેથી UPI ના બદલે કેશ પેમેન્ટનો આગ્રહ રાખ્યો હતો.
‘વન નેશન વન ટેક્સ’ ના દાવા વચ્ચે નવો ટેક્સ સહન નહીં થાય
વિરોધ પ્રદર્શન કરી રહેલા વેપારીઓએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, સરકાર એક તરફ ‘વન નેશન, વન ટેક્સ’ અને ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે અને બીજી તરફ UPI પેમેન્ટ પર MDR જેવા વધારાના ચાર્જ ઝીંકવાની તૈયારી કરી રહી છે. આ નિર્ણયથી નાના-મોટા તમામ વેપારીઓ તેમજ સામાન્ય ગ્રાહકોને સીધું આર્થિક નુકસાન સહન કરવું પડશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપ્યા બાદ હવે તેના પર વધારાનો ટેક્સ લાદવો તે વેપારી આલમ સાથે અન્યાય છે.
ચૂંટણીમાં પરિણામ ભોગવવાની અને આંદોલન આકરું કરવાની ચીમકી
વેપારી નેતાઓએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો UPI પર MDR લાગુ કરવાનો નિર્ણય તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં નહીં આવે તો આવનારી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અને 2029ની લોકસભા ચૂંટણીમાં સરકારને તેનું મોટું રાજકીય નુકસાન ભોગવવું પડશે. આ ઉપરાંત વેપારીઓએ એવું પણ એલાન કર્યું છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં અને રાજ્યભરમાં વેપાર-ધંધા સંપૂર્ણપણે બંધ રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
