Ahmedabadના વટવામાં લગ્નની કંકોત્રી ન આપતાં જૂના મિત્રો બન્યા જાનના દુશ્મન, બે ભાઈઓ પર ચાર શખ્સોનો હિચકારો હુમલો

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરના વટવા GIDC વિસ્તારમાં આવેલ હાથીજણ સર્કલ પાસે શાલીન સ્ક્વેર કોમ્પલેક્ષ નજીક સામાન્ય ગણાતી બાબતે મોટો ઝઘડો અને મારામારીની ઘટના સામે આવી છે. લગ્નની કંકોત્રી ન આપવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ ભેગા મળીને બે ભાઈઓ પર જાનલેવા હુમલો કર્યો હતો. ફરિયાદી વિરેન્દ્રસિંહ વાઘેલા અને તેમના નાના ભાઈ મીતરાજ પર તેમના જ જૂના મિત્ર રાજવિર રાઠોડ અને તેના સાથીઓએ બોલાચાલી બાદ હુમલો કરી દીધો હતો, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

4 શખ્સોએ ભેગા મળી બે ભાઈઓને ઢોરમાર માર્યો

બનાવની વિગત મુજબ, વિરેન્દ્રસિંહે લગ્નની કંકોત્રી ન આપતાં જૂના મિત્ર રાજવિર રાઠોડે ઉશ્કેરાઈને ગાળો આપી માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમયે રાજવિરનું ઉપરાણું લઈને નિકુંજ વાઘેલા, દિવ્યરાજ અને દેવો નામના શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ગળદાપાટુનો માર મારવા લાગ્યા હતા. વચ્ચે પડેલા નાના ભાઈ મીતરાજને પણ આ ચારેય શખ્સોએ ભેગા મળીને માથા, છાતી અને દાઢીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ “તમે નોકરી કેવી રીતે કરો છો તે જોઈ લઈશું” તેવી ધમકીઓ પણ આપવામાં આવી હતી.

વટવા GIDC પોલીસે તપાસ હાથ ધરી

અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને લોકો વચ્ચે પડતાં બંને ભાઈઓ વધુ મારમાંથી બચી શક્યા હતા. લોકો એકઠા થતાં જ ચારેય હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્ત બંને ભાઈઓને ત્વરિત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વટવા GIDC પોલીસે વિરેન્દ્રસિંહની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની અટકાયત માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Valsadના ધરમપુરમાં કુવામાં ખાબક્યો દીપડો, ગુંદિયા ગામે ગ્રામજનો અને વન વિભાગે મહામુસીબતે કર્યું સફળ રેસ્ક્યુ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *