Ahmedabadના IIM કેમ્પસમાં ડિલિવરી બોયની અશ્લીલ હરકત: વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ આરોપીની વાડજથી ધરપકડ
અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત આઈઆઈએમ (IIM) કેમ્પસમાં એમબીએ (MBA) ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 28 વર્ષીય વિદ્યાર્થિની સાથે છેડતીનો બનાવ બન્યો હતો. વિદ્યાર્થિનીએ 15 ઓગસ્ટની રાત્રે સ્વિગી (Swiggy) એપ મારફતે ફૂડ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર લઈને પહોંચેલા ડિલિવરી બોય નિપમ ઠક્કરે ઓર્ડર આપતી વખતે વિદ્યાર્થિનીને “તમે સુંદર અને એન્જલ જેવાં દેખાવ છો” કહીને અશ્લીલ ચેનચાળા અને ઈશારા કર્યા હતા.
કોલેજ સમિતિમાં રજૂઆત બાદ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ
ડિલિવરી બોયના આ પ્રકારના વર્તન બાદ વિદ્યાર્થિનીએ તુરંત પોતાની રૂમમેટ બહેનપણીઓને જાણ કરી હતી અને કોલેજની ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી સમક્ષ સત્તાવાર અરજી કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીએ હિમ્મત દાખવીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સ્વિગીના ડિલિવરી બોય વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે લોકેશન ટ્રેસ કરીને આરોપીને વાડજથી પકડ્યો
વિદ્યાર્થિનીની ફરિયાદ મળતાં જ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશન ટ્રેસિંગના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી ડિલિવરી બોય નિપમ ઠક્કરને વાડજ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
