Ahmedabadમાં નરોડા GIDCના ફેઝ-3માં આવેલી ફેક્ટરીમાં અચાનક લાગી ભીષણ આગ

📅 Published: August 29, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા નરોડા GIDCમાં આજે એક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. નરોડા GIDCના ફેઝ 3 માં આવેલા પ્લોટ નંબર 28 સ્થિત ફેક્ટરીમાં અચાનક આગના લપેટા અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. ચાલુ કામકાજ દરમિયાન અચાનક આગ લાગતા જ ફેક્ટરીમાં દોડધામ મચી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગ પર કાબૂ મેળવવા કવાયત શરુ

આગની ગંભીરતાને જોતાં સ્થાનીય લોકો અને ફેક્ટરીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો હરકતમાં આવ્યો હતો અને તાત્કાલિક 6 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા ઘટનાસ્થળે પહોંચીને ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરી સઘન રીતે શરુ કરી દેવામાં આવી છે.

સદનસીબે જાનહાનિના સમાચાર નહીં

હાલમાં ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ વધુ ન પ્રસરે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ જતાં મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *