Ahmedabadમાં ન્યૂઝીલેન્ડના વિઝાના નામે રૂ.70.55 લાખની ઠગાઈ. 'કેપિટલ ઓવરસીઝ'ના 4 સંચાલકો સામે CID ક્રાઈમમાં FIR દાખલ

📅 Published: September 3, 2026 | 📂 Category: Crime

અમદાવાદ શહેરમાં વિદેશ મોકલવાના બહાને નિર્દોષ નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરની ‘કેપિટલ ઓવરસીઝ’ નામની કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાની લાલચ આપીને નિર્દોષ લોકો પાસેથી કુલ રૂ.70.55 લાખની માતબર રકમ પડાવી લેવામાં આવી છે. વિદેશ જઈને રોજગારી મેળવવાનું સ્વપ્ન સેવતા અરજદારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ વિઝા ન આપીને તેમની સાથે મોટો વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો.

‘કેપિટલ ઓવરસીઝ’ના 4 સંચાલકો સામે ગુનો દાખલ

આ સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા ‘કેપિટલ ઓવરસિસ’ના મુખ્ય સંચાલકો વૈભવ પ્રજાપતિ, અખિલ ચાતુર, ઓઈસઅલી હસનવાલા અને અહેમદ અફલાક વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. આ આરોપીઓએ ન્યૂઝીલેન્ડમાં આકર્ષક નોકરી અને વર્ક પરમિટ વિઝા અપાવવાની ખોટી ખાતરીઓ આપીને અરજદારો પાસેથી તબક્કાવાર લાખો રૂપિયા મેળવી લીધા હતા. સમયમર્યાદા પૂરી થયા બાદ પણ વિઝા ન મળતા અને નાણાં પરત આપવામાં બહાનાબાજી કરતા ભોગ બનનારાઓએ આખરે કાનૂની રસ્તો અપનાવ્યો હતો.

CID ક્રાઈમે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ લંબાવી

ભોગ બનનાર નાગરિકોની રજૂઆતના આધારે આ મામલે સીઆઈડી ક્રાઈમ (CID Crime) ખાતે ચારેય આરોપીઓ વિરુદ્ધ વિધિવત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમની ટીમે એજન્સીના દસ્તાવેજો, બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઠગ ટોળકી દ્વારા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News: નહેરુનગર જમીન વિવાદ કેસમાં પૂર્વ DySP અશોકસિંહ ચૌહાણને મોટો ઝટકો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *