Ahmedabadમાં યુરિયા ખાતરનું કૌભાંડ પકડાયું! વટવા GIDC માંથી 857 બોરી જપ્ત, કાળાબજારીયાઓમાં મચ્યો ફફડાટ

📅 Published: September 10, 2026 | 📂 Category: Crime

અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં ખેતીવાડી માટે અનામત રાખવામાં આવતા સબસિડી વાળા નીમ કોટેડ યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગ અને કાળાબજારીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. નાયબ ખેતી નિયામક અને વટવા GIDC પોલીસની સંયુક્ત ટીમે એસ.પી. રિંગ રોડ પર આવેલા શ્રદ્ધા એસ્ટેટમાંથી દરોડો પાડીને ખેતી માટેનું 857 બોરી યુરિયા ખાતર જપ્ત કર્યું છે. ખેડૂતોને રાહત દરે મળતા આ ખાતરનો ફેક્ટરીઓમાં ઔદ્યોગિક પ્રોસેસિંગ માટે ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

25 ઓગસ્ટે સીઝ કરાયેલા જથ્થાનો રિપોર્ટ આવતાં ખુલાસો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 25 ઓગસ્ટના રોજ વટવા GIDC સ્થિત શ્રદ્ધા એસ્ટેટમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને તેના લેબોરેટરી સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલનો સત્તાવાર રિપોર્ટ આવી જતાં અને તે ખેતીવાડી માટેનું જ નીમ કોટેડ યુરિયા હોવાનું પુરવાર થતાં પોલીસે આકરી કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો મંગાવનાર તરીકે અર્જુનસિંહ સિસોદિયા, હિમાંશુ પટેલ અને અંકિત પટેલના નામ સામે આવ્યા છે, જ્યારે આ ગેરકાયદે ખાતર સપ્લાય કરવાનું નેટવર્ક રાયમલ ભરવાડ નામનો વ્યક્તિ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.

વટવા GIDC પોલીસની કાયદેસર કાર્યવાહી

ખેતીવાડી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા 857 બોરી ખાતરનો જથ્થો વિધિવત સીઝ કરીને જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સામેલ સપ્લાયર રાયમલ ભરવાડ તેમજ ફેક્ટરી માટે જથ્થો ખરીદનાર ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી સબસિડી વાળા ખેતી ખાતરનો ઔદ્યોગિક એકમોમાં દુરુપયોગ અટકાવવા માટે તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ખાતરની કાળાબજારી કરતા ભૂમાફિયાઓ અને વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Gandhinagar Building Collapse : કુડાસણમાં અચાનક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, 15 શ્રમિકો દટાયા, NDRF-SDRF ઘટનાસ્થળે…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *