અમદાવાદના વટવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા 5 જેટલા માથાભારે શખ્સોએ વિસ્તારમાં ભારે તોડફોડ મચાવી દહેશતનો માહોલ ઊભો કરી દીધો હતો. આ શખ્સોના હાથમાં તલવાર જેવા ઘાતક હથિયારો હતા, જેના વડે તેમણે ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. અચાનક થયેલા આ હુમલા અને વાહનો તૂટવાના અવાજોથી આસપાસના રહીશોમાં ભારે ભય અને સન્નાટો વ્યાપી ગયો હતો.
ફ્લેટના યુવક સાથેની અદાવત અને અનેક વાહનોને નુકસાન
પ્રાથમિક માહિતી મુજબ, ફ્લેટમાં રહેતા એક યુવક સાથેની જૂની અંગત અદાવતમાં આ ભયાનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોએ યુવકને પાઠ ભણાવવાના નામે ફ્લેટની નીચે પાર્ક કરેલા અનેક વાહનોમાં તોડફોડ કરી હતી અને ગાડીઓના કાચ ફોડી નાખ્યા હતા. તોડફોડ મચાવ્યા બાદ તમામ 5 શખ્સો પોતાની ગાડીમાં સવાર થઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વટવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ, ગુનો નોંધી તપાસ તેજ
ઘટના અંગે જાણ થતાં જ વટવા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. વાહન માલિકોની ફરિયાદના આધારે પોલીસે 5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. નજીકના CCTV ફૂટેજ તપાસીને નંબર પ્લેટ વગરની કાર અને હુમલાખોરોની ઓળખ મેળવવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Mehsana News : જયપુરથી ઇથોપિયા પહોંચ્યા પછી આવ્યો એક ખોફનાક કૉલ… જાણો વડસ્માના ઋત્વિક સાથે ત્યાં શું બન્યું?
