Ahmedabadમાં સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડ બનાવીને વેચવાના કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

📅 Published: September 3, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર દારૂના વેપાર સાથે જોડાયેલા એક ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને એક શખ્સને રંગેહાથ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે છેલ્લા ચાર મહિનાથી સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડ તરીકે ખપાવીને ગ્રાહકો સાથે ઠગાઈ આચરી રહ્યો હતો.

ખાલી બોટલોમાં ભરાતો હતો સસ્તો દારૂ

આરોપી અત્યંત સાતિર રીતે આ કૌભાંડ ચલાવતો હતો. તે બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો મેળવીને તેમાં સસ્તો દારૂ ભરી દેતો હતો. બોટલ પર મોંઘી કંપનીઓના લેબલ અને સ્ટીકર લગાવીને તેને એકદમ નવી જ પેકિંગ બોટલ જેવો લુક આપવામાં આવતો હતો. બોટલના બુચને આબેહૂબ પેક કરવા માટે ફેવીક્વિકનો ઉપયોગ કરાતો હતો, જેથી ગ્રાહકને દારૂની બોટલ સીલબંધ હોવાનો ભાસ થાય અને કોઈ શંકા ન જાય.

કુલ રૂ.2.53 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

દરોડા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પરથી 174 સીલબંધ દારૂની બોટલો, 96 બિયરના ટીન અને 29 બ્રાન્ડેડ ખાલી બોટલો જપ્ત કરી છે. આ ઉપરાંત પેકિંગ માટે રાખેલા 63 બુચ, 53 સ્ટીકર અને મોબાઈલ સહિત કુલ રૂ.2.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. સમગ્ર મામલે ડીસીબી (DCB) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *