Ahmedabadમાં હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ! 3 બાળકો રેસ્ક્યૂ, સગીરો પાસે મજૂરી કરાવતા 2 નરાધમો જેલભેગા

📅 Published: September 6, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે સગીર વયના બાળકોના અપહરણ અને માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) આચરતી એક અત્યંત ગંભીર અને સંગઠિત ગેંગના નેટવર્કનો ખુલાસો કર્યો છે. આ ગેંગ દ્વારા માસૂમ સગીરોનું અપહરણ કરીને તેમને અન્ય સ્થળોએ વેચી દેવામાં આવતા હતા અને તેમની પાસે બળજબરીપૂર્વક મજૂરી કરાવવામાં આવતી હતી. આ ચકચારી કૌભાંડમાં ત્વરિત કાર્યવાહી કરીને ક્રાઈમ બ્રાન્ચે કાયદાના સંઘર્ષમાં આવેલા 3 બાળકોને સલામત રીતે મુક્ત કરાવ્યા છે તેમજ આ અમાનવીય કૃત્યમાં સંકળાયેલા દિનેશ ઓડ અને ભરત ભરવાડ નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

વડોદરા અને નંદીસરથી કરાયું હતું અપહરણ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી દિનેશ ઓડે એક બાળકનું અપહરણ કર્યા બાદ તેને માત્ર રૂ.10,000 ની નજીવી રકમમાં વેચી દીધો હતો. મુક્ત કરાવવામાં આવેલા ત્રણેય બાળકો પંચમહાલના નંદીસર તથા વડોદરાના છાણી અને અન્ય વિસ્તારમાંથી અપહરણ કરાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકોને અલગ-અલગ સ્થળોએ ગોંધી રાખીને તેમની પાસે શારીરિક શોષણ અને આકરી મજૂરી કરાવવામાં આવતી હોવાની ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે.

આંતરરાજ્ય કનેક્શન અંગે તપાસ તેજ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે સધન દરોડા પાડીને ત્રણેય અપહૃત બાળકોને હેમખેમ ઉગારી લીધા છે અને તેમના વાલી-વારસોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી છે. બંને આરોપીઓ સામે અપહરણ, માનવ તસ્કરી અને બાળમજૂરી વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધી તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ગેંગે ભૂતકાળમાં અન્ય કેટલા બાળકોના અપહરણ કર્યા છે અને આ કૌભાંડમાં અન્ય કયા કયા આકાઓ કે ખરીદદારો સંકળાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : તૂટશે ત્યારે તંત્ર જાગશે? જર્જરિત પીરાણા-વિશાલા બ્રિજ પર પ્રતિબંધ છતાં ઓવરલોડ વાહનોની બેરોકટોક એન્ટ્રી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *