અમદાવાદની ચાંદખેડા પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સફળતા મેળવતા છેલ્લા બે દાયકાથી ફરાર ચાલી રહેલા કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે. વર્ષ 2003માં સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં 16 વર્ષીય સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી કાયદાની પકડથી દૂર રહેતો આરોપી દિનેશ ચીમનલાલ બોચીયા પોલીસના સકંજામાં આવી ગયો છે. મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની એવો આ આરોપી લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને વલસાડ ખાતે રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી.
મદદથી વલસાડમાંથી શોધી કાઢ્યું આરોપીનું સરનામું
આ કેસ વર્ષ 2003નો જૂનો હોવાથી પોલીસ પાસે આરોપી કે ભોગ બનનાર અંગેના કોઈ નક્કર પુરાવા કે સચોટ માહિતી ઉપલબ્ધ નહોતી. જોકે, ચાંદખેડા પોલીસ સ્ટેશનની ટીમે આ કોલ્ડ કેસને ગંભીરતાથી લઈને ટેકનિકલ એનાલિસિસ, સોશિયલ મીડિયા ટ્રેકિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ની મદદથી વલસાડ ખાતે આરોપીનું ચોક્કસ સરનામું અને તેના કામનું સ્થળ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. પોલીસે બાતમીના આધારે વલસાડમાં દરોડો પાડીને આરોપી દિનેશ બોચીયાને દબોચી લીધો હતો.
આરોપીને સાબરમતી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ
દિનેશ ચીમનલાલ બોચીયાની ધરપકડ કર્યા બાદ તેને ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. વર્ષ 2003માં સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધાયો હોવાથી, આ પકડાયેલા આરોપીને વધુ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાબરમતી પોલીસ સ્ટેશનના હવાલે કરવાની સત્તાવાર તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. દાયકાઓ જૂના કેસમાં પોલીસની સતર્કતાથી આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે.
