Ahmedabadમાં TPC મુદ્દે AMCની તવાઈ, ઈસનપુરનું જલારામ ખમણ હાઉસ સીલ

📅 Published: August 18, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત AMC ની ટીમે ઇસનપુર વિસ્તારમાં આવેલા જાણીતા ‘જલારામ ખમણ હાઉસ’ પર અચાનક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી આવતાં તંત્ર દ્વારા આ ખાણીપીણીના એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું છે.

TPC નું પ્રમાણ 24 ની જગ્યાએ 38 સુધી પહોંચ્યું

તપાસ દરમિયાન હેલ્થ વિભાગે ખમણ હાઉસમાં વપરાતા તળવાના તેલની ‘ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ’ (TPC) મશીન વડે સ્થળ પર જ ચકાસણી કરી હતી. ખાદ્ય સુરક્ષાના નિયમો અનુસાર તેલમાં TPC નું પ્રમાણ વધુમાં વધુ 24 સુધી હોવું જોઈએ, તેની જગ્યાએ જલારામ ખમણ હાઉસમાં વપરાતા તેલમાં આ પ્રમાણ 38 સુધી નોંધાયું હતું. એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તેલમાં આટલું ઊંચું TPC પ્રમાણ આવે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થાય છે.

અખાદ્ય અને હાનિકારક તેલ સામે તંત્રની લાલ આંખ

વારંવાર એક જ તેલમાં વાનગીઓ તળવાથી તે તેલ ઝેરી અને હાનિકારક બની જાય છે, જેનાથી કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. AMC હેલ્થ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં આવા અખાદ્ય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક તેલનો ઉપયોગ કરતા તમામ નાના-મોટા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે કડકમાં કડક કાનૂની કાર્યવાહી અને સીલિંગની ઝુંબેશ ચાલુ રહેશે.

આ પણ વાંચો : ગુજરાતના IPS અધિકારીઓનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, વડોદરા અને અમદાવાદના DCP સહિત ખેડા SP નો શ્રેષ્ઠ કામગીરીમાં સમાવેશ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *