અમદાવાદ-રાજકોટ વચ્ચેનો અતિ વ્યસ્ત ધોરીમાર્ગ સિક્સ લેન કરવાનું કામ ક્યારે પૂરું થશે તે વિશે કોઈ કહી શકે તેમ નથી. આ ધોરીમાર્ગ પર દર ચોમાસામાં ખાડા પડવા અને માર્ગ તૂટવાનું બંધ જ થતું નથી. આટલું હજુ ઓછું હોય તેમ ગાય અને ભેંસના ટોળા રસ્તા પર આવી જવાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.
અમદાવાદથી નીકળ્યા બાદ સૌપ્રથમ કર્ણાવતી ક્લબ અને વાયએમસીએ ક્લબ સુધી બિસ્માર રસ્તો પસાર કરવો પડે છે. પછી સનાથલ પહોંચતાં ટ્રાફ્કિજામમાં અટવાવું પડે છે. સનાથલ પાસે વડોદરા તરફ્ જવા માટે પુલ બનાવ્યો હોવા છતાં ભારે વાહનો નીચેથી જ પસાર થાય છે. અહીં મુસાફરો ભરતાં વાહનોનો ત્રાસ કાયમી થઈ ગયો છે. સનાથલ સૌથી મહત્ત્વનું જંકશન હોવા છતાં અહીં કાયમી ટ્રાફ્કિજામ જેવી સ્થિતિ રહે છે. પુલનું કામ પૂરું થતું નથી અને ખાડા પડવાનું બંધ થતું નથી, તેમજ તે પુરાતા પણ નથી. અમદાવાદથી રાજકોટ જવાનું હોય કે રાજકોટથી અમદાવાદ આવવાનું હોય, સનાથલ જંકશન પર વાહનચાલકોને સતત હેરાન થવું પડે છે.
વાહનચાલક બાવળા પહોંચે ત્યાં ગાયોનો અડ્ડો હોય છે. અહીં એવો વિચિત્ર પુલ બનાવ્યો છે કે વાહનચાલકો માટે બાવળા પસાર કરવું માથાનો દુખાવો બની ગયું છે. રાજકોટથી અમદાવાદ આવતાં વાહનો માટે પુલ નથી, જેથી ગામમાંથી થઈને રસ્તો પસાર કરવો પડે છે. રોજ દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોના કારણે ટ્રાફ્કિજામ થાય છે. અહીંથી નીકળ્યા બાદ મીઠાપુર પાસે નવો પુલ બનાવ્યો છે, પણ તે જૂના રસ્તાને સારો કહેવડાવે તેવો બની ગયો છે. આ પુલની એક બાજુ આખી ખોદી નાખી છે અને ત્યાં કામ પણ થતું નથી, તેથી પુલ પર એકતરફી ટ્રાફ્કિ ચાલે છે. કંટાળીને વાહનચાલકો સામી દિશાના પુલ પરથી પસાર થાય છે, જેનાથી જોખમ વધી જાય છે. આ પુલ નીચે જે રસ્તો હતો તે મગરની પીઠ જેવો હતો અને ચોમાસામાં વધુ તકલીફ્ પડતી હતી, હવે પુલ બનાવ્યા છતાં સ્થિતિ એની એ જ રહી છે. ડોળિયા બાઉન્ડ્રી પાસેના પુલમાં પણ એક બાજુ બંધ કરી દેવામાં આવી છે.
રાજકોટ નજીક આવે તે પહેલાં રસ્તા પર ખાડા તો અવારનવાર આવ્યા જ કરે છે. કુવાડવા પાસે ગોકળગાયની ગતિને પણ શરમાવે તે રીતે કામ થઈ રહ્યું છે. મતલબ કંઈ કામ થતું હોય તેવું લોકોને લાગતું નથી. રોજ હજારો વાહનચાલકો હેરાન થાય છે, પણ ઈજારદારો કે સરકારના પેટનું પાણી હલતું નથી. લોકો હેરાન થાય તો ભલે થાય, પણ કામમાં ઝડપ નહીં લાવવાનો જાણે સંકલ્પ જ લઈ લીધો હોય તેવી સ્થિતિ છે. એસટીની બસ, ટ્રાન્સપોર્ટના વાહનો, ખાનગી વાહનો, કારચાલકો રોજ આ હાઈવેનો ઉપયોગ કરે છે. રોજ લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે છતાં તંત્રને જાણે કે કશી પડી જ ન હોય તેવી લાગણી લોકો અનુભવી રહ્યાં છે.
