Ahmedabad : ઉત્તરવહીકાંડમાં એનરોલમેન્ટ રદ ન કરી નીરજા ગુપ્તાએ ફીંડલું વાળ્યાનો આક્ષેપ

📅 Published: October 16, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ થવાની અત્યંત શરમજનક ઘટના જુલાઈ-2023માં સર્જાઈ હતી. આ ઘટના નીરજા ગુપ્તાની નિમણૂકના અંદાજે 10 જ દિવસમાં સામે આવી હતી. યુનિવર્સિટીની વ્યવસ્થા માટે કલંકરૂપ આ ઘટનામાં તપાસ કમિટી દ્વારા 14 જેટલા વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ રદ કરી રિપોર્ટ યુજીસીને મોકલવાની ભલામણ કરવામાં આવી હતી. કમિટીએ રિપોર્ટ સુપ્રત કર્યાના બે વર્ષ સુધી નીરજા ગુપ્તાએ એનરોલમેન્ટ રદ કરવાની પ્રક્રિયામાં જ ફીંડલું વાળી દીધું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેમાં રાજકીય દબાણ કે સાંઠગાંઠની ચર્ચા ઊઠી છે. જેથી હાલની તપાસ કમિટી દ્વારા આ મુદ્દે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ ઊઠી છે.ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા પર કાર્યકાળ દરમિયાન પીએમ-ઉષા ગ્રાન્ટ સહિતના ભંડોળમાં કરોડો રૂપિયાના નાણાકીય ગોટાળા, નિયમો વિરુદ્ધ જઈ મળતિયાઓની ગેરકાયદે ભરતીઓ કરવા, ભંડોળનો અંગત અને અનધિકૃત ઉપયોગ તથા સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો લાગ્યા છે. વિવાદ વકરતાં યુનિવર્સિટીએ 10 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા, નીરજા ગુપ્તાએ રૂપિયા 14 કરોડથી વધુની વણવપરાયેલી ગ્રાન્ટ પરત કરી હતી અને તેમની સામે હાઈકોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચાઈ છે.આ વિવાદો વચ્ચે નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીમાં એન્ટ્રી વખતે જ સર્જાયેલા ઉત્તરવહી કાંડની ફરી ચર્ચા ઊઠી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા બોટની વિભાગના ભોંયરામાં ઉત્તરવહીઓ માટેનો સ્ટ્રોંગરૂમ હતો. આ સ્ટ્રોંગરૂમમાંથી રાત્રે ઉત્તરવહીઓ બહાર કાઢવામાં આવતી હતી અને વિદ્યાર્થીઓ બહાર બેસીને લખી તે ઉત્તરવહીઓ પરત મૂકી દેતા હોવાનો એનએસયુઆઈ દ્વારા ઘટસ્ફેટ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે પોલીસ ફરિયાદ થતાં ધરપકડ પણ કરવામાં આવી હતી. બીજી તરફ્ યુનિવર્સિટી દ્વારા એક ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરાઈ હતી. આ કમિટીએ પોલીસ ચાર્જશીટ દાખલ થયાના થોડા સમય પછી યુનિવર્સિટીને રિપોર્ટ સુપ્રત કર્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટ ભલામણ કરાઈ હતી કે, આ ઘટના ખૂબ ગંભીર અને શિક્ષણજગત માટે કલંકરૂપ છે, જેથી સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ રદ કરવામાં આવે અને તેઓને દેશની અન્ય કોઈ યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળે તે માટે યુજીસી તેમજ અન્ય યુનિવર્સિટીઓને આ રિપોર્ટ મોકલી આપવામાં આવે. કમિટીની આ આકરી ભલામણ પછી યુનિવર્સિટી પ્રશાસને આ મુદ્દો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સમક્ષ લઈ જઈ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ રદ કરવાની સત્તાવાર પ્રક્રિયા કરવાની હતી. પરંતુ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા સમગ્ર મામલા પર ફીંડલું વાળી દેવામાં આવ્યું અને આજદિન સુધી આ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ રદ કરવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ કુલપતિ સામેના આક્ષેપોના પગલે ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ખાસ્સી ઝાંખપ પહોંચી છે. કુલપતિના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા વધવી જોઈએ તેના બદલે ઘટતી જઈ રહી છે તે ચિંતાની બાબત હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *