Ahmedabad : એકા ક્લબ પછી વાસણામાં રૂ.3.71 કરોડની ‘ટેક્સની ચોરી’, 2001થી પાર્ટી પ્લોટ ધમધમ્યો, પણ AMCને ચૂકવ્યા માત્ર રૂ.12 લાખ!

📅 Published: September 11, 2026 | 📂 Category: Crime

અમદાવાદ શહેર મહાનગરપાલિકા (AMC) માં એકા ક્લબના કરોડો રૂપિયાના બાકી પ્રોપર્ટી ટેક્સનો મુદ્દો હજુ ચર્ચામાં છે, ત્યાં જ વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાલડી ભઠ્ઠા નજીક આવેલા ‘આસ્થા ઉપવન પાર્ટી પ્લોટ’ પર મનપાનો રૂ. 3.71 કરોડ જેટલો માતબર પ્રોપર્ટી ટેક્સ બાકી બોલે છે. તપાસમાં સામે આવ્યું છે કે આ પાર્ટી પ્લોટ વાસણા વોર્ડના પૂર્વ કોર્પોરેટર સ્નેહા બા પરમારના પરિજન ઘનશ્યામસિંહ પરમારની માલિકીનો છે.

2001 થી આકારણી, માલિકે કોર્ટમાંથી સ્ટે મેળવી માત્ર રૂ.12 લાખ ભર્યા

કેસની વિગતો મુજબ, વર્ષ 2012-13 માં મનપા દ્વારા ખાસ નોટિસ આપીને વર્ષ 2001 થી આ જમીનની પાર્ટી પ્લોટ તરીકે કર-આકારણી કરવામાં આવી હતી. જોકે, આ આકારણી સામે પાર્ટી પ્લોટના માલિક દ્વારા વર્ષ 2015 માં કોર્ટમાં વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટના વચગાળાના આદેશ મુજબ પાર્ટી પ્લોટ માલિકે અત્યાર સુધીમાં માત્ર રૂ. 12 લાખ જમા કરાવ્યા છે, જ્યારે બાકીની રકમ અંગે કોર્ટે મનપાને આકરી કાર્યવાહી કરવા પર મનાઈહુકમ (સ્ટે) આપ્યો છે.

શહેરમાં પ્રોપર્ટી ટેક્સના 219 કેસ કોર્ટમાં પેન્ડિંગ, કરોડોની આવક અટકી

આ કિસ્સાએ અમદાવાદ શહેરમાં મનપાના બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાતની મોટી પોલ ખોલી દીધી છે. સમગ્ર શહેરમાં પ્રોપર્ટી ટેક્સ મામલે કુલ 219 કેસો વિવિધ અદાલતોમાં અટવાયેલા છે, જેમાં સુપ્રીમ કોર્ટમાં 29, હાઈકોર્ટમાં 42 અને સ્મોલ કોઝ કોર્ટમાં 148 કેસો પેન્ડિંગ છે. અધિકારીઓની બેદરકારી કે પ્રોપર્ટી માલિકોની કાયદાકીય ચાલાકીના કારણે મનપાની કરોડો રૂપિયાની આવક રોકાઈ ગઈ છે. આ અંગે ટેક્સ કમિટીના ચેરમેન મુકેશ પટેલે પણ કાયદાકીય રીતે ઉકેલ લાવી રિકવરી કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો : Vadodara MSU આર્ટ્સ ફેકલ્ટીમાં અશ્લીલતા વિવાદ વકર્યો! પરીક્ષા ટાણે જ રૂમ સીલ કરી કડક ચેકિંગ શરૂ, દોષિતો સામે આકરા પગલાંની માંગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *