અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સોનાની તસ્કરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 19 ઓક્ટોબરના રોજ દુબઈથી અમદાવાદ આવી પહોંચેલા એક મુસાફર પર શંકા જતાં કસ્ટમ્સની ટીમે તેને અટકાવી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન મુસાફરની ટ્રોલી બેગમાંથી 133.450 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.20.12 લાખથી વધુ આંકવામાં આવી છે.
સોનાની પેસ્ટ છુપાવવાની અનોખી તરકીબનો પર્દાફાશ
તસ્કરી કરનાર મુસાફરે કસ્ટમ્સ ચેકિંગમાંથી બચવા માટે અનોખી અને કીમિયાગિરી ભરી તરકીબ અપનાવી હતી. તેણે ટ્રોલી બેગના અંદરના ભાગે કાપડના વિશેષ પેચ બનાવીને તેમાં સોનાની પેસ્ટ છુપાવી રાખી હતી. જોકે, કસ્ટમ્સ અધિકારીઓની તીક્ષ્ણ નજર અને સ્કેનિંગ સિસ્ટમની મદદથી આ કીમિયો નિષ્ફળ નીવડ્યો હતો અને ટ્રોલી બેગમાં છુપાવેલો સોનાનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો.
કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ
કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરાયેલી સોનાની પેસ્ટને રાસાયણિક પ્રક્રિયા મારફતે ઓગાળવામાં આવતાં તેમાંથી 24 કેરેટ શુદ્ધ સોનું મળી આવ્યું હતું. આ મામલે કસ્ટમ્સ વિભાગે ‘કસ્ટમ્સ એક્ટ’ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને સોનાનો જથ્થો સત્તાવાર રીતે સીઝ કર્યો છે. સોનાની તસ્કરીમાં સંડોવાયેલા મુસાફરની અટકાયત કરીને તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ સ્મગલિંગ રેકેટ ચલાવતા અન્ય સાગરીતો અંગે વધુ તપાસ લંબાવવામાં આવી છે.
