અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાંથી ઉતરેલા એક મુસાફર પાસેથી 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક મેરિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સની એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન આ નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
30 નાના પેકેટમાં છુપાવી લાવ્યો હતો ગાંજો
મળતી માહિતી મુજબ, મુસાફર બેંગકોકથી TG 343 ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યો હતો. મુસાફરની તપાસ દરમિયાન શંકાસ્પદ સામાન મળી આવ્યો હતો. વધુ તપાસ કરતાં કુલ 30 નાના પેકેટમાંથી હાઇડ્રોપોનિક મેરિજુઆના મળી આવ્યું હતું. કસ્ટમ્સ અધિકારીઓએ તમામ પેકેટમાંથી મળી આવેલા નશીલા પદાર્થનું વજન કરતાં કુલ 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક મેરિજુઆના હોવાનું સામે આવ્યું હતું.
સુરતના મુસાફરની ધરપકડ
આ મામલામાં કસ્ટમ્સ વિભાગે સુરતના મુસાફરની ધરપકડ કરી છે. મુસાફર પાસેથી મળેલા પદાર્થને જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કસ્ટમ્સની AIU ટીમે સમગ્ર મામલે NDPS Act હેઠળ કાર્યવાહી કરી છે. જપ્ત કરાયેલા પદાર્થને લઈને મુસાફર ક્યાંથી લાવ્યો હતો અને તેનો હેતુ શું હતો તે સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર AIUની સતર્કતા
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ AIU દ્વારા વિદેશથી આવતા મુસાફરોના સામાન અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવે છે. આ કાર્યવાહીમાં બેંગકોકથી આવેલા મુસાફરની તપાસ દરમિયાન મોટી માત્રામાં હાઇડ્રોપોનિક મેરિજુઆના મળી આવતા નશીલા પદાર્થોની હેરાફેરી સામે કસ્ટમ્સની કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને જપ્ત કરાયેલા પદાર્થના સ્ત્રોત તથા સંભવિત કનેક્શન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : CJP : કોકરોચોએ ભાજપ સરકારે બનાવેલી સ્કૂલની પહેલીવાર કરી પ્રશંસા,કહ્યું- ‘આવી સ્કૂલ વધુ બનાવો’, Video
