અમદાવાદના વ્યસ્ત ગણાતા એસ.જી. હાઇવે પર 22 ઓગસ્ટની રાત્રે એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ગોતા વોડાફોન ટાવર નજીકથી પસાર થઈ રહેલા એક્ટિવાને એક ઝડપભેર આવતી કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા ફરિયાદી સહિત તેમના બે મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બાતમીદારોની મદદથી આરોપીનો રૂટ ટ્રેસ કરાયો
ઘટના અંગે ગુનો નોંધીને સોલા હાઇકોર્ટ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે અકસ્માત સ્થળ અને આસપાસના વિસ્તારના 200 જેટલા CCTV કેમેરાના ફૂટેજ સઘન રીતે તપાસ્યા હતા. CCTV વિશ્લેષણ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસે અકસ્માત સર્જી ભાગી છૂટેલા કારચાલકનો આખો રૂટ ટ્રેસ કરી લીધો હતો.
ચાણક્યપુરીથી આરોપી કિશનની ધરપકડ
પોલીસે ચોક્કસ બાતમીના આધારે ચાણક્યપુરી માધવ ગાર્ડન પાસેથી આરોપી કિશન ઉર્ફે પોચી કેદારસિંહ ચૌરસિયાની અટકાયત કરી તેની વિધિવત ધરપકડ કરી લીધી છે. આ સાથે જ અકસ્માતમાં વપરાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી લીધી છે. સોલા હાઇકોર્ટ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.
