શહેરના મધ્ય ઝોન અને ઉત્તર ઝોનના તંત્રની કથિત મિલીભગત અને અંદરો અંદરની ખેંચતાણને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. ઉત્તર ઝોન હેઠળ આવતા કુબેરનગર વોર્ડમાં અસંખ્ય ગેરકાયદેસર ગાયોના વાડાઓ ખડકાઈ ગયા છે, અને ત્યાંથી છૂટી મૂકવામાં આવતી ગાયો મધ્ય ઝોનના અસારવા વોર્ડમાં આવીને ભારે ઉપદ્રવ મચાવી રહી છે.સ્થાનિકોનું કહેવું છે કે મેઘાણીનગર શાકમાર્કેટ, નેતાજી નગર અને કલાપીનગર આસપાસના વિસ્તારોમાં આખો દિવસ બેફામ રખડતી ગાયોનો જમાવડો જોવા મળે છે.કુબેરનગર વોર્ડમાં ધમધમતા ગેરકાયદેસર વાડાઓ સામે ઉત્તર ઝોનનું ઢોર ઉપાડવા માટેનું ખાતું કોઈ જ કડક કાર્યવાહી કરતું નથી. આ વાડાઓમાંથી છૂટતી ગાયો મધ્ય ઝોનના મેઘાણીનગર શાકમાર્કેટ અને કલાપીનગર જેવા ભરચક વિસ્તારોમાં આખો દિવસ ડેરા તંબૂ તાણીને બેસે છે.
મહત્વનું છે કે એક ઝોન બીજા ઝોન પર નાંખીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે, જેના લીધે ગાયોના માલિકોને ખુલ્લો દોર મળી ગયો છે. શાકમાર્કેટ અને નેતાજીનગરના મુખ્ય રસ્તાઓ પર ગાયો આખો દિવસ આડી ઊભી રહેતી હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે. નાના બાળકો અને વૃદ્ધો માટે રસ્તો ઓળંગવો પણ જોખમી બન્યો છે. બંને ઝોનના અધિકારીઓની મિલીભગત છે કે પછી કામગીરી પ્રત્યેની લાપરવાઈ, તે તો તપાસનો વિષય છે. પરંતુ હાલ તો તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ સામાન્ય જનતા બની રહી છે.
