Ahmedabad: ગોતા સિલ્વર ઓક કોલેજ પાસે ક્રેનની ટક્કરે વિદ્યાર્થીનીનું મોત; ભાગતા ક્રેન ડ્રાઇવરને લોકોએ પકડ્યો

📅 Published: September 22, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલી જાણીતી સિલ્વર ઓક કોલેજ નજીક આજે એક અત્યંત દર્દનાક અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. કોલેજમાં અભ્યાસ કરતી એક નિર્દોષ યુવતી રસ્તા પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન બેફામ ઝડપે આવી રહેલી એક ભારે ભરખમ ક્રેનના ચાલકે યુવતીને પાછળથી જોરદાર ટક્કર મારીને તેના પર ક્રેન ચઢાવી દીધી હતી.

અમદાવાદના ગોતામાં હૃદયદ્રાવક અકસ્માત

ક્રેનનું ભારે ટાયર ફરી વળતાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું ઘટનાસ્થળે જ તડપી-તડપીને કરૂણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી સિલ્વર ઓક કોલેજમાં જ અભ્યાસ કરતી વિદ્યાર્થીની હોવાનું સામે આવતાં સ્થાનિકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને શોકની લાગણી ફરી વળી હતી.ગંભીર અકસ્માત સર્જાયા બાદ ક્રેનનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ હરકતમાં આવેલા ક્રેન ચાલકે ભાગવાની અફડાતફડીમાં થોડે દૂર જઈને એક ઓટો રીક્ષા સાથે ક્રેન અથડાવી દીધી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ક્રેન ડ્રાઇવરને સ્થળ પર જ દબોચી લીધો હતો.

જાગૃત નાગરિકોએ ડ્રાઇવરને પકડી પોલીસને સોંપ્યો

બનાવ અંગેની જાણ થતાં જ ‘એ’ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોકોએ પકડી રાખેલા ક્રેન ચાલકને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ક્રેન ચાલક સામે અકસ્માતે મોત અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અંગેનો ગુનો નોંધી આગળની ચાર્જરૂપ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: ઓડિશાથી ગાંજો લાવી સમગ્ર સૌરાષ્ટ્રમાં નેટવર્ક ચલાવતા બે આરોપી ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *