Ahmedabad: ચિલ્લર આપવાના નામે સાતથી વધુ વેપારીઓ સાથે ૪.૬૦ લાખની ઠગાઈ કરનાર પકડાયો

📅 Published: October 8, 2026 | 📂 Category: Ahmedabad

નાસ્તાના ગલ્લા અને ફરસાણના વેપારીઓને ૫ તેમજ ૧૦ રૂપિયાના સિક્કાનું ચિલ્લર આપવાની લાલચ આપી લાખોની રોકડ પડાવનાર શખ્સને રામોલ પોલીસે ઝડપી પાડયો છે. પકડાયેલા આરોપીએ છેલ્લા બે વર્ષમાં નિકોલ અને ઓઢવમાં સાતથી વધુ વેપારીઓ સાથે રૂ. ૪.૬૦ લાખની ઠગાઈ આચર્યાની કબૂલાત કરતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

વસ્ત્ર્રાલ તનમન ચાર રસ્તા પાસેથી આરોપી વાલા ઉર્ફે વિરાજ રબારીની ધરપકડ કરાઈ હતી. મૂળ પાટણના શંખેશ્વર તાલુકાના કુવર ગામનો વિરાજ બેરોજગાર હોવાથી સરળતાથી રૂપિયા કમાવવા માટે છૂટા પૈસા એટલે કે ચિલ્લરની રોજેરોજ મોટી જરૂરિયાત ધરાવતા નાના વેપારીઓને પોતાનો શિકાર બનાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આરોપી ખાસ કરીને ધમધમતી હોટેલ, ફરસાણની દુકાનો અને નાસ્તાના ગલ્લા ધરાવતા વેપારીઓને ટાર્ગેટ કરતો હતો. આરોપી વેપારીઓનો વિશ્વાસ કેળવી પોતે મોટા જથ્થામાં ૫ અને ૧૦ રૂપિયાના સિક્કા અપાવી શકતો હોવાનું કહી ભોગ બનનાર પાસેથી રૂ. ૧૫,૦૦૦થી લઈને રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની રોકડ રકમ પડાવી લેતો હતો. રોકડ મળ્યા બાદ તે ચિલ્લર આપ્યા વિના જ ત્યાંથી ફરાર થઈ જતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપીએ છેલ્લા બે વર્ષમાં નિકોલ અને ઓઢવ વિસ્તારમાં સાતથી વધુ વેપારીઓ સાથે છેતરપિંડી કરીને રૂ. ૪.૬૦ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *