20
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગની વધુ એક લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલી દાઉદભાઈ ગણેશભાઈની ચાલીમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગીય રહીશો પર AMC તંત્રે ટેક્સનો મોટો માર ઝીંક્યો છે. સામાન્ય ઝૂંપડાંઅને કાચા-પાકા મકાનોને કાગળ પર રો-હાઉસ દર્શાવીને બમણો ટેક્સ આકારવામાં આવતાં સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ,AMCના ટેક્સ વિભાગના અધિકારીઓએ કોઈપણ જાતની સ્થળ તપાસ કર્યા વિના જ મનસ્વી રીતે અસેસમેન્ટ કરી દીધું છે. સામાન્ય રહેણાંક મિલકતો અને ઝૂંપડાં જેવાં મકાનોને હાઈ-ફાઈ રો-હાઉસની કેટેગરીમાં બતાવીને ટેક્સના આંકડા બમણા કરી દેવાયા છે. મહાનગરપાલિકાએ પોતાની આવક અને નફો વધારવાની લાલચમાં તમામ મર્યાદાઓ વટાવી દીધી હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે અહીં પહેલા 500થી 600 જેટલો ટેક્સ આવતો હતો જે વધીને હવે સીધો 3000થી 4000નો કરી દેવામાં આવ્યો છે. અમારી આખા પરિવારની પણ આવક અહીં માંડ 3000 મહિને છે ત્યાં આટલો મોટો ટેક્સ કેવી રીતે ભરવો તે મોટો સવાલ ઉભો થયો છે.
