પ્રકાશના મહાપર્વ દિવાળીની રાત્રે શહેરમાં મોટાપાયે થતી આતશબાજી અને ફટાકડાના કારણે સંભવિત અકસ્માતો અટકાવવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના દિવસે આવતીકાલે અમદાવાદ મેટ્રો ટ્રેનના નિયમિત સંચાલન સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે સાંજે 7:00 વાગ્યાથી મેટ્રો ટ્રેન સેવાઓ સામાન્ય મુસાફરો માટે બંધ કરી દેવામાં આવશે. મેટ્રો ટ્રેકના એલિવેટેડ કોરિડોર પર ફટાકડા કે રોકેટના તણખાથી કોઈ ટેકનિકલ ખામી કે આગની દુર્ઘટના ન સર્જાય અને મુસાફરોની સલામતી જળવાઈ રહે તે માટે પ્રશાસને રાત્રિ સેવાઓ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.
મેટ્રો તંત્ર દ્વારા મુસાફરો માટે મહત્વનું શિડ્યુલ
વસ્ત્રાલ ગામ ટર્મિનલ પરથી થલતેજ તરફ જતી છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે 7:00 વાગ્યે ઉપડશે. થલતેજ ટર્મિનલથી વસ્ત્રાલ ગામ તરફ જતી છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે ૭:૦૫ વાગ્યે રવાના થશે. નિર્ધારિત છેલ્લી ટ્રેન રવાના થયા બાદ મેટ્રો સ્ટેશનો પર મુસાફરો માટે એન્ટ્રી ગેટ્સ બંધ કરી દેવામાં આવશે.દિવાળીની સાંજે સગાં-સંબંધીઓના ઘરે જવા કે ખરીદી માટે મેટ્રોનો ઉપયોગ કરતા નાગરિકોને નિર્ધારિત સમય કરતાં વહેલા મુસાફરીનું આયોજન કરવા જણાવાયું છે.
ફટાકડાથી નુકસાન અને મુસાફરોની સલામતી માટે પગલું
દિવાળીની રાત્રે શહેરમાં ઠેર-ઠેર ઊંચા આકાશી ફટાકડા (રોકેટ, સ્કાયશોટ્સ) ફોડવામાં આવતા હોય છે. મેટ્રો લાઇન શહેરના મુખ્ય માર્ગો પરથી ઓવરહેડ (એલિવેટેડ) પસાર થતી હોવાથી હાઈ-ટેન્શન વાયરો અને ટ્રેક પર ફટાકડા પડવાનું જોખમ રહે છે.કોઈ અનિચ્છનીય બનાવ કે આગ લાગવાની ઘટના ન બને તે માટે સાવચેતીના અગમચેતી પગલારૂપે દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ સંચાલન સમય મર્યાદિત કરાયો છે.બીજા દિવસથી મેટ્રો સેવાઓ તેના નિયત રાબેતા મુજબના સમયપત્રક અનુસાર ફરી કાર્યરત થશે.
આ પણ વાંચો: 7 November 2026 Top News: કાળી ચૌદશની ઉજવણી સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો
