દેશભરમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કાર્યરત ફુડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. પનીર જેવા જ દેખાતા પરંતુ વનસ્પતિ તેલ કે અન્ય કેમિકલ મિશ્રણથી બનતા ‘એનાલોગ’ (Analog) પ્રોડક્ટ્સના ઉત્પાદન અને વેચાણ પર કડક નિયમન લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ નિર્ણયથી શુદ્ધ પનીરના નામે સસ્તા અને કૃત્રિમ પ્રોડક્ટ્સ વેચતા વેપારીઓ સામે દેશવ્યાપી કાર્યવાહીનો માર્ગ મોકળો થશે.
પનીર રસિકો અને ગ્રાહકો માટે FSSAI નો મોટો નિર્ણય
FSSAI ની નવી માર્ગદર્શિકાના પ્રસ્તાવ મુજબ, ‘ડેરી કોન્ટેક્સ્ટમાં એનાલોગ’ કેટેગરીમાં આવતા કોઈપણ પ્રોડક્ટના પેકિંગ, લેબલિંગ કે જાહેરાતોમાં ‘પનીર’ (Paneer) શબ્દનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ઘણી વાર હોટલો, રેસ્ટોરન્ટો અને ડેરી પ્રોડક્ટ્સના બજારમાં દૂધમાંથી બનેલા શુદ્ધ પનીરને બદલે એનાલોગ પનીરનો ઉપયોગ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. FSSAI ના આ પગલાથી માત્ર વાસ્તવિક દૂધમાંથી જ બનેલી બનાવટ માટે જ ‘પનીર’ શબ્દ અધિકૃત રહેશે.


‘પનીર’ શબ્દના ઉપયોગ પર મુકાશે પ્રતિબંધ
આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય હેતુ ગ્રાહકોને પ્રોડક્ટની ખરીદી વખતે તેની સાચી ગુણવત્તા અને બનાવટ અંગે સ્પષ્ટતા આપવાનો છે. એનાલોગ પ્રોડક્ટ્સમાં દૂધના ફેટને બદલે બિન-ડેરી ફેટ (જેમ કે પામ ઓઇલ કે વેજિટેબલ ફેટ) નો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે પણ અલગ અસર ઊભી કરી શકે છે. FSSAI નો આ પ્રસ્તાવ મંજૂર થતાં જ દેશભરના પ્રોસેસિંગ યુનિટ્સ, ડેરી ઉત્પાદકો અને માર્કેટિંગ કંપનીઓ માટે પનીરના વિકલ્પ પ્રોડક્ટ્સના વેચાણ અને નામકરણ અંગેના નિયમો અત્યંત સખત બની જશે.
