અમદાવાદ શહેરમાં વન્યજીવોના અંશ અને ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરફેર કરનારા તત્વો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેરના નરોડા વિસ્તારમાં પ્રતિબંધિત કિંમતી જથ્થાની બિનઅધિકૃત હેરફેર થવાની ચોક્કસ માહિતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે નરોડા ખાતે સફળ દરોડો પાડીને સ્પર્મ વ્હેલના એમ્બરગ્રીસના ગેરકાયદે જથ્થા સાથે ત્રણ શખ્સોને આબાદ ઝડપી પાડ્યા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી કુલ 1.051 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ સ્પર્મ વ્હેલ અને તેનાથી મળતી વસ્તુઓ અત્યંત સંવેદનશીલ તેમજ પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે. આ ઝડપાયેલા 1.051 કિલો એંબરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 1.5 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે, જેથી આ કેસમાં મોટું આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય નેટવર્ક હોવાની આશંકા સેવાઈ રહી છે.
આરોપીઓની ધરપકડ કરી તપાસ તેજ કરાઈ
ગેરકાયદેસર રીતે વન્યજીવોના અંશ ખરીદવા, વેચવા અને તેની હેરફેર કરવા બદલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની વિધિવત ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિંમતી એંબરગ્રીસનો જથ્થો આરોપીઓ ક્યાંથી લાવ્યા હતા, તે કોને સપ્લાય કરવાનો હતો અને આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથા સામેલ છે તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સફળ કામગીરીથી વન્યજીવોના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તસ્કરોમાં ફાફડાટ વ્યાપી ગયો છે.
