Ahmedabad: નરોડામાં નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકનો આતંક, બેફામ કાર હંકારી અનેક વાહનોને અડફેટે લીધાં

📅 Published: November 17, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક બેફામ સ્કોર્પિયો ચાલકે પૂરઝડપે કાર હંકારીને ભારે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. બેકાબૂ બનેલી સ્કોર્પિયો કારે રસ્તામાં આવતા અનેક વાહનોને અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. આ શ્રેણીબદ્ધ અકસ્માતોમાં એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે અન્ય વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે.

નરોડામાં પૂરઝડપે કાર હંકારીને ભારે આતંક મચાવ્યો

ઘટનાની વિગતો મુજબ, નરોડા વિસ્તારમાં પૂરઝડપે દોડતી સ્કોર્પિયો કારે સૌપ્રથમ નરોડા સ્મશાન પાસે એક વાહનચાલકને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ પણ કાર થોભાવવાના બદલે ચાલકે પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહેલા એક બાઈકસવારને અડફેટે લીધો હતો, જેમાં બાઈકસવારને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આટલું જ નહીં, બેફામ સ્કોર્પિયોએ વિઠ્ઠલ પ્લાઝા પાસે પાર્કિંગમાં ઊભેલાં અન્ય વાહનોને પણ ટક્કર મારીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાઈકસવારને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે સ્કોર્પિયો ચાલક દારૂના નશામાં ધૂત થઈને બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. બનાવની જાણ થતાં જ G ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આતંક મચાવનાર સ્કોર્પિયો ચાલકને ઝડપી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: દિવાળીમાં મુસાફરોના ધસારાથી સરકારી તિજોરી છલકાઈ, એસટી નિગમને ₹40.94 કરોડ તો રેલવેને ₹108.42 કરોડની રેકોર્ડબ્રેક આવક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *