અમદાવાદમાં મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને ખુલ્લી ડ્રેનેજ લાઈનો માસૂમ બાળકો માટે ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. શહેરના વિશાલાથી નારોલ રોડ પર આવેલા પીરાણા વિસ્તાર નજીક શનિવારે બપોરે ડ્રેનેજ લાઈનમાં ખાબકી ગયેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ (અંધ) બાળકીની ઘટનાને ત્રણ-ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ ભાળ મળી શકી નથી. ફાયર વિભાગની ટીમો સતત 72 કલાકથી દિવસ-રાત જોયા વિના રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે, પરંતુ ડ્રેનેજમાં જમા થયેલા ભારે કચરા અને ગંદકીના કારણે બાળકી સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
શનિવારે બપોરે અંધારા કૂવા સમાન ડ્રેનેજમાં ખાબકી હતી માસૂમ
આ અત્યંત હૃદયદ્રાવક ઘટનાની વિગતો અનુસાર વિશાલા-નારોલ રોડ પર પીરાણા પાસે શનિવારે બપોરે આશરે 3:00વાગ્યાના સુમારે 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી અકસ્માતે ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં પડી ગઈ હતી.દ્રષ્ટિહીન હોવાના કારણે માસૂમ બાળકી સામે રહેલા મોતના ખાડાને જોઈ શકી નહોતી અને ક્ષણવારમાં જ ગંદા પાણીના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
ડ્રેનેજમાંથી કચરો હટાવવાની કામગીરી
ફાયર બ્રિગેડ દ્વારા બાળકીને શોધવા માટે તમામ સંસાધનો કામે લગાડવામાં આવ્યા છે.લાઈનમાં પાણીનો પ્રવાહ અને કાદવ-કચરો એટલી હદે જમા થયેલો છે કે રેસ્ક્યુ ટીમો માટે અંદર ઉતરવું પણ જોખમી બની રહ્યું છે.જેસીબી મશીનો, સક્શન મશીનો અને સુએજ પંપિંગ સાધનોની મદદથી ડ્રેનેજ લાઈનમાંથી ટનબંધ કચરો બહાર કાઢી બાળકીની શોધખોળ તેજ કરવામાં આવી છે.લાઈનના આગળના અલગ-અલગ ચેમ્બરો અને આઉટલેટ્સ સુધી ટીમો તૈનાત કરીને બાળકીના કોઈ અવશેષ કે ભાળ મેળવવા માટે પ્રયાસો ચાલુ છે.
‘અમારે પૈસા નથી જોઈતા, બાળકીનો મૃતદેહ શોધી આપો’: પરિવારનું હૈયાફાટ રુદન
દીકરી ગુમાવનાર લાચાર અને ગરીબ પરિવારની સ્થિતિ જોઈને પથ્થર દિલ માનવી પણ પીગળી જાય તેવો માહોલ સર્જાયો છે.બાળકીના પરિવારજનોનું કહેવું છે કે, ‘અમારે તંત્ર પાસેથી કોઈ વળતર કે સરકારી પૈસા નથી જોઈતા, અમને બસ અમારી દીકરીનો મૃતદેહ શોધી આપો જેથી અમે તેની અંતિમ વિધિ કરી શકીએ.’પાલિકાના અધિકારીઓની નિષ્કાળજીને કારણે ખુલ્લી રહેલી ડ્રેનેજ લાઈન સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.
