Ahmedabad : નિકોલમાં નકલી દારૂ ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારુની બોટલમાં કેમિકલવાળો માલ બનાવવાનો ખેલ ઝડપાયો

📅 Published: August 21, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તી બ્રાન્ડના દારૂમાં અલગ-અલગ કેમિકલ અને ફ્લેવર ભેળવી તેને મોંઘી બ્રાન્ડના નામે વેચવાની તૈયારી ચાલી રહી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી 1 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

વાહનની ડેકીમાંથી દારૂની એક બોટલ મળી આવી

નિકોલ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે અટલ આવાસ યોજનાના ગેટ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જ્યુપિટર વાહન સાથે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાહનની ડેકીમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી.

દિનેશ જંડાવાલાના ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી 4 બોટલો મળી 

આરોપી પાસેથી અંદાજે રૂ.5,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછના આધારે તપાસ આગળ વધારતાં કુબેરનગર વિસ્તારમાં દિનેશ જંડાવાલાના ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી 4 બોટલો મળી આવી હતી. ઉપરાંત પ્લાસ્ટિકની 4 બોટલો અને અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ.9,500નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે.

સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવતા

તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે સસ્તી બ્રાન્ડના દારૂમાં વિવિધ કેમિકલ અને ફ્લેવર ભેળવી તેનો સ્વાદ અને દેખાવ બદલવામાં આવતો હતો. ત્યારબાદ ખાલી બોટલોમાં આ દારૂ ભરી મોંઘી બ્રાન્ડના બનાવટી સ્ટીકર અને સીલ લગાવી તેને વેચાણ માટે તૈયાર કરવામાં આવતો હતો.

ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર લાવતા

તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે દિનેશ જંડાવાલા ચામુંડા બ્રિજ પાસે આવેલી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર અને સીલ લાવતો હતો. એટલે કે નકલી દારૂને અસલી અને મોંઘી બ્રાન્ડનો દેખાવ આપવા માટે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

સુનિલ માખીજાની ધરપકડ

પોલીસે સુનિલ ઉર્ફે સોનુ માખીજા અને દિનેશ જંડાવાલા સહિત 3 લોકો સામે ગુનો નોંધ્યો છે. હાલ સુનિલ માખીજાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર દિનેશ જંડાવાલા સહિત અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.   

આ પણ વાંચો :    Bhavnagar નકલી દારૂકાંડમાં બોગસ કંપનીથી બની ‘મોતની બ્રાન્ડ’, સરકારી તંત્રનું ‘ટોપ ટુ બોટમ’ ફેઈલ્યોર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *