ધાર્મિક કાર્યની સાથે જ્યારે અબોલ જીવો પ્રત્યેની સંવેદના, સેવા અને પ્રેમનો અનોખો સંગમ થાય ત્યારે એક અનેરો અવસર જન્મે છે. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા મહાન રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કે કવિ કલાપીનાં ધામ એવા લાઠી ગામમાં આશરે દોઢસો વર્ષ કરતા પણ વધુ સમયથી દર વર્ષે નવરાત્રિ દરમિયાન એક એવું સંવેદનશીલ કાર્ય થાય છે જેનું ફ્ળ સમગ્ર વર્ષ દરમિયાન અબોલ જીવ એવા ભોળા પંખીડાઓને મળતું રહે છે.જેમાં પંખીડાઓ માટેની ચણ એકત્ર કરવા માટે માં શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવની ઉજવણી વિવિધ નાટકોની પ્રસ્તુતિના માધ્યમથી કરવામાં આવતી રહી છે તે ખરેખર નવાઈ જન્માવે તેવી અને સમાજ માટે ખુબ જ પ્રેરક લાગે છે. આ વાત છે અમરેલી જિલ્લાના લાપીનગર એટલે કે લાઠી ગામની. જ્યાં લુવારીયા દરવાજા પાસે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજીનાં મંદિર પાસે નવરાત્રિ દરમિયાન દમિયાન શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દવારા પરંપરાગત નવરાત્રિ ઉત્સવના ગરબાની સાથોસાથ રોજ ધાર્મિક, સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે. છેલ્લા ૧૬૦ વર્ષથી આ અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા આ અદભૂત નાટયોત્સવનો સિલસિલો આ વર્ષે પણ આગળ ધપાવવામાં આવી રહ્યો છે અને આ વર્ષે તા. ૧૧ થી તા. ૨૦ દરમ્યાન રોજ રાત્રે નાટકો પ્રસ્તુત કરવામાં આવશે.
આજથી લગભગ ૧૬૦ વર્ષ પૂર્વે લાઠી ગામનાં મહાન સંત પૂ. શ્રી વસંતદાસજી બાપુએ સ્થાપેલા શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દ્વારા આજે પણ આપણી સામાજિક-ધાર્મિક પરંપરા, ભવ્ય ઈતિહાસ,સંસ્કૃતિ અને સમાજ જીવનનું આબેહુબ પ્રતિબિંબ ઝીલતા વૈવિધ્યસભર નાટય પ્રયોગો થકી કલાપીની પક્ષી જગત પ્રત્યે પ્રેમ અને લાગણીને વાચા આપવામાં આવી રહી છે.દર વર્ષે શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળના ૬૦ જેટલા સભ્યો શ્રાવણ માસથી જ નાટય પર્વની વિભિન્ન તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. રાજાશાહી વખતથી શરુ કરાયેલો આ સિલસિલો આજે દોઢ સદીથી અવિરત ચાલ્યો આવે છે ને તેને આગળ ધપાવવામાં લગભગ અનેક પેઢીઓ બદલી ગઈ છે.જુની પેઢીનાં કલાકારો દ્વારા નવી પેઢીના કલાકારોને અવિરત મળી રહેલા માર્ગદર્શનના પરિણામે આજે પણ આ નવરાત્રિ ઉત્સવનો મૂળભૂત સેવાકીય હેતુ યથાવત જળવાઈ રહ્યો છે.નાટક મંડળનાં સભ્યો દ્વારા વ્યક્તિગત પ્રશસ્તિની કદીપણ ખેવના કરવામાં આવતી નથી તે આજના જમાનામાં ખરેખર આશ્ચર્ય જન્માવે છે.
