Ahmedabad: પંજાબમાં લોહી વહાવી ફરાર થયેલી ત્રિપુટીને વાપીમાંથી ઝડપી, ગુજરાતમાં આશરો લીધો ને ATSના સકંજામાં ફસાયા

📅 Published: October 11, 2026 | 📂 Category: Ahmedabad

પંજાબમાં બનેલા ચકચારી અને સનસનાટીભર્યા ‘મેડ સંધુ મર્ડર કેસ’માં ફરાર થઈ ગયેલા ખૂનખીસ્ત ગુનેગારોને દબોચવામાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને ખૂબ મોટી સફળતા સાંપડી છે. હત્યાની ઘટનાને અંજામ આપીને અન્ય રાજ્યોમાં છૂપાતા ફરતા ત્રણ વોન્ટેડ આરોપીઓ દક્ષિણ ગુજરાતમાં આશરો લઈને બેઠા હોવાની ગુપ્ત બાતમીના આધારે ગુજરાત ATS ની ટીમે વલસાડ જિલ્લાના વાપી ખાતે ઓપરેશન પાર પાડીને ત્રણેય આરોપીઓને સકંજામાં લીધા છે.

વાપીમાંથી ત્રણેય આરોપીઓ ઝડપાયા

ગુજરાત એટીએસને પંજાબ પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓ તરફથી મળેલા મહત્વના ઇનપુટ્સ બાદ આ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓના નામ. હરસિમરનજીત સિંહ,ફતેહ સિંહ,અરમાન સિંહ ત્રણેય આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે ઔદ્યોગિક વિસ્તાર ગણાતા વલસાડના વાપીમાં ગુપ્ત રીતે આશરો લઈ રહ્યા હતા, જ્યાંથી ATS ની ટીમે ઘેરાબંધી કરીને તેમને ઝડપી પાડ્યા હતા.

મેડ સંધુ મર્ડર કેસમાં સીધી સંડોવણી

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, પંજાબમાં દિવસદહાડે અંજામ આપવામાં આવેલા મેડ સંધુ હત્યાકાંડમાં આ ત્રણેય શખ્સો સક્રિય રીતે સંડોવાયેલા હતા.ગુનો આચર્યા બાદ ત્રણેય આરોપીઓ તાત્કાલિક પંજાબ છોડીને રાજ્ય બહાર નાસી છૂટ્યા હતા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યા હતા.ગુજરાત ATS ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વાપીમાં તેમના ચોક્કસ લોકેશનને ટ્રેક કર્યું હતું અને કોઈ પણ પ્રકારના પ્રતિકાર વિના ત્રણેયને દબોચી લીધા હતા.

પંજાબ પોલીસને સોંપવાની કવાયત તેજ

ધરપકડ બાદ ગુજરાત એટીએસ દ્વારા પ્રાથમિક કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.આરોપીઓની સ્થાનિક સ્તરે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે મદદગારો હતા કે કેમ તે અંગે પણ સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.પંજાબ પોલીસની તપાસ ટીમ સાથે સંકલન સાધીને આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પંજાબ પોલીસના હવાલે કરવાની કાયદેસરની તજવીજ તેજ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: કૃષ્ણનગરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો; જૂનાં કપડાંની આડમાં પાર્સલથી મંગાવેલી 2,736 બોટલો જપ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *