Ahmedabad: પાલડી ઉપાશ્રયના નામે સેટેલાઇટના વૃદ્ધ સાથે 21.79 લાખની છેતરપિંડી, મહારાજ સાહેબના ત્યાંથી બોલું છું' કહી રકમ ટ્રાન્સફર કરાવી

📅 Published: September 18, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અશ્વમેઘ બંગલો વિભાગ-૩માં રહેતા અને સાંતેજમાં પી.સી. ઇન્ડસ્ટ્રીઝ નામે ઇલેક્ટ્રિકલ સામાનનો વ્યવસાય કરતા 67 વર્ષીય વૃદ્ધ મયુરભાઈ શાહ સાથે ધાર્મિક આસ્થાના નામે રૂ. 21,79,000 ની મોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 23 જુલાઈના રોજ મયુરભાઈ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ તેજશ શાહ તરીકે આપી પાલડીના નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રયમાંથી બોલતો હોવાનું કહી ધાર્મિક કાર્યમાં દાન આપવા અપીલ કરી હતી.

અમદાવાદમાં ધાર્મિક આસ્થાના નામે મોટી છેતરપિંડી

મયુરભાઈએ ઉપાશ્રય પ્રત્યેની શ્રદ્ધાને કારણે વિશ્વાસ મૂકી શરૂઆતમાં 23 જુલાઈએ ₹49 હજાર બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ 24 જુલાઈએ ₹1લાખ, 5 ઓગસ્ટે ₹1 લાખ અને 7 ઓગસ્ટે કલ્પનાબેન શાહના ખાતામાં ₹2 લાખ જમા કરાવ્યા હતા.બેંક ટ્રાન્સફર બાદ આરોપીએ આંગડિયા મારફતે નાણાં મગાવવાનું શરૂ કર્યું હતું. મયુરભાઈએ પોતાના પુત્ર ફાલ્ગુન મારફતે 10 ઓગસ્ટે ₹4 લાખ, 11 ઓગસ્ટે ₹4.30 લાખ, 12 ઓગસ્ટે ₹4 લાખ અને 14 ઓગસ્ટે ₹5 લાખ આંગડિયાથી પ્રાંતિજ અને દ્વારકા ખાતે તેજશ શાહના નામે મોકલાવ્યા હતા. આમ 20 દિવસના ટૂંકા ગાળામાં કુલ રૂ. 21.79 લાખ મેળવ્યા બાદ આરોપીએ બંને મોબાઇલ નંબર બંધ કરી દીધા હતા.

સેટેલાઇટના વૃદ્ધ સાથે પાલડી ઉપાશ્રયના નામે ઠગાઈ

શંકા જતાં મયુરભાઈ અને તેમના પુત્રએ પાલડી ઉપાશ્રયે રૂબરૂ પહોંચી તપાસ કરતાં આવી કોઈ દાનની માંગણી ન કરાઈ હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચક્રગતિમાન કરી ગાંધીનગરના મહુડી ખાતે સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા આરોપી તેજશ સુભાષ શાહની ધરપકડ કરી છે. પોલીસ હાલમાં આરોપીના અન્ય બેંક વ્યવહારો અને ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ અંગે કડક તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો:Surat: તબીબ વેવાઈ પાસે 10 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર પિતા-પુત્ર અઢી વર્ષે ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *