Ahmedabad : પૂર્વને પાછળ છોડ્યું પશ્ચિમે, ‘શસ્ત્ર છોડો, શાંતિ જોડો’ અભિયાનમાં 477 હથિયાર જમા થતાં ચોંકાવનારા આંકડા

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેર પોલીસના ‘શસ્ત્ર છોડો, શાંતિ જોડો’ અભિયાનમાં હથિયારોને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સામાન્ય રીતે ગુનાખોરી અને શરીર સંબંધિત ગુનાઓને લઈને પૂર્વ અમદાવાદની વધુ ચર્ચા થતી હોય છે, પરંતુ હથિયારોની બાબતમાં પશ્ચિમ અમદાવાદના આંકડાએ સૌને ચોંકાવી દીધા છે.પશ્ચિમ અમદાવાદમાંથી કુલ 477 હથિયાર સ્વેચ્છાએ જમા કરવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ અમદાવાદમાંથી અગાઉ આ જ અભિયાન દરમિયાન 263 હથિયાર જમા થયા હતા. એટલે કે પશ્ચિમ વિસ્તારમાંથી પૂર્વ કરતા 214 હથિયાર વધુ સામે આવ્યા છે.

પશ્ચિમ અમદાવાદના 26 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 477 હથિયાર

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સેક્ટર-1ના કુલ 26 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.આ અભિયાન દરમિયાન તલવાર, છરી, ચાકુ, ગુપ્તી, હોકી સહિતના વિવિધ પ્રકારના હથિયારો લોકો પાસેથી સ્વેચ્છાએ જમા કરાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હથિયારો જમા કરાવવાની પ્રક્રિયા સાથે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

સરખેજમાંથી સૌથી વધુ 70 હથિયાર

પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ હથિયારો કયા વિસ્તારમાંથી મળ્યા તેના આંકડા પણ ધ્યાન ખેંચી રહ્યા છે. સૌથી વધુ સરખેજમાંથી 70 હથિયાર જમા થયા છે. ત્યારબાદ વેજલપુરમાંથી 50, સોલામાંથી 35 અને વાસણામાંથી 34 હથિયાર જમા કરવામાં આવ્યા છે. 

પૂર્વમાં 263, પશ્ચિમમાં 477 હથિયાર

અગાઉ પૂર્વ અમદાવાદમાં ચલાવવામાં આવેલા આ જ અભિયાન દરમિયાન કુલ 263 હથિયાર જમા થયા હતા. તેની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાંથી 477 હથિયાર જમા થતાં આ સંખ્યા નોંધપાત્ર રીતે વધુ છે. પશ્ચિમ વિસ્તારમાંથી આટલી મોટી સંખ્યામાં હથિયારો સામે આવતાં હવે અનેક સવાલો ઊભા થયા છે.

 

પૂર્વ કરતાં પશ્ચિમમાં વધુ હથિયાર કેમ?

હવે સૌથી મોટો સવાલ એ છે કે ગુનાખોરી માટે સામાન્ય રીતે વધુ ચર્ચામાં રહેતા પૂર્વ અમદાવાદની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાંથી હથિયારોની સંખ્યા વધુ કેમ સામે આવી? શું પશ્ચિમ વિસ્તારમાં લોકો પાસે હથિયારો રાખવાનું પ્રમાણ વધુ છે કે પછી પોલીસના અભિયાનમાં લોકો વધુ પ્રમાણમાં સ્વેચ્છાએ આગળ આવ્યા? આ પ્રશ્નોના જવાબ માટે પોલીસના આગામી અભિયાન અને તપાસ પર નજર રહેશે. 

આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *