Ahmedabad પોલીસ કમિશનરનું નવું જાહેરનામું: 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી હથિયારો, મશાલ અને સરઘસ પર સખત મનાઈ

📅 Published: August 18, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 17 ઓગસ્ટે હથિયારબંધી અંગેનું મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2026 સુધી અમદાવાદના માત્ર 35 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ લાગુ રહેશે.

હથિયારો સાથે રાખવા પર સખત પ્રતિબંધ

આ આદેશ હેઠળ તલવાર, ભાલા, ખંજર અને અઢી ઇંચથી લાંબી અણીદાર છરી કે ચપ્પુ સાથે રાખવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર જગ્યાએ હથિયારો સાથે ફરવા, ફાયરિંગ કરવા, ધાર્મિક સરઘસમાં શસ્ત્રો લઈ જવા, પથ્થરો એકઠા કરવા, સળગતી મશાલ સાથે સરઘસ કાઢવા તેમજ ઉશ્કેરણીજનક ભાષણો અને વિરોધ પ્રદર્શનો પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. 

કેટલાંક વિસ્તાર મુક્ત રખાતાં ઉઠ્યા સવાલો

આ જાહેરનામામાંથી અમદાવાદના કેટલાક મહત્વના અને VIP વિસ્તારોને બાદ રાખવામાં આવતાં ભારે ચર્ચા જાગી છે. વસ્ત્રાપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, વાસણા, સેટેલાઈટ, નવરંગપુરા, એલિસબ્રિજ, એરપોર્ટ, ખોખરા, મણિનગર તેમજ સાબરમતી રિવરફ્રન્ટ (ઈસ્ટ અને વેસ્ટ) વિસ્તારમાં આ હથિયારબંધી લાગુ કરાઈ નથી. ખાસ કરીને સિંધુભવન રોડ, જજીસ બંગલો રોડ અને ગુજરાત યુનિવર્સિટી જેવા વિસ્તારોમાં પ્રતિબંધ ન હોવાથી અનેક સવાલો ઊભા થયા છે. 

નિયમભંગ બદલ કાયદેસરની કાર્યવાહીની ચેતવણી

પોલીસ તંત્રની સ્પષ્ટતા મુજબ જે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં શરીર સંબંધી ગંભીર ગુનાઓ આચરવાની કે શાંતિ ડહોળાવાની શક્યતાઓ વધુ હોય તેવા જ 35 વિસ્તારોમાં આ જાહેરનામું અમલી બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ કમિશનર જી.એસ. મલિકના સમયમાં બહાર પાડવામાં આવતા જાહેરનામામાં સમગ્ર અમદાવાદ શહેરને આવરી લેવામાં આવતું હતું. જોકે વર્તમાન જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *