શહેરના અસારવા વોર્ડમાં આવેલ મેડિસિટી સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત મિથિલા – આશ્રયમ સ્ટાફ્ ક્વાર્ટરના ગાર્ડન અને હરિયાળી માટે અનામત રાખવામાં આવેલી જગ્યા પર બુલડોઝર ફેરવી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોઈપણ જાતની પરવાનગી કે સ્થાનિકો સાથે ચર્ચા કર્યા વિના 100થી પણ વધુ નાના-મોટા વૃક્ષોનું અમાનવીય રીતે નિકંદન કાઢી નાખવામાં આવતાં સ્થાનિક રહીશો અને પર્યાવરણપ્રેમીઓમાં તીવ્ર આક્રોશ વ્યાપી ગયો છે.
મહત્વનું છે કે બી. જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં નવા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી, મિથિલા-આશ્રયમ ક્વાર્ટર પાસેના ગ્રીનરી પ્લોટના વૃક્ષો કાપીને ત્યાં ખુલ્લું મેદાન બનાવવાનો કારસો ઘડી કાઢવામાં આવ્યો છે. આ હરિયાળા પ્લોટમાં છેલ્લા 10 થી 15 વર્ષ જૂના 70 થી 100 જેટલા મોટા વૃક્ષો આવેલા હતા. આ ઉપરાંત, 12 જૂન 2026ના રોજ પ્લેન ક્રેશની વરસી નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે વાવવામાં આવેલા અને ઉછેરાયેલા વૃક્ષોમાંથી પણ 40 થી 50 જેટલા છોડ-વૃક્ષોનો કૂદડો બોલાવી દેવાયો છે.
