Ahmedabad: ભાજપ નેતાએ નિયમોના ધજાગરા ઉડાવ્યા; રોડ પર 7 કાર રાખી કેક કાપી, BJYM મહામંત્રી રમેશ ભરવાડ સામે FIR

📅 Published: November 7, 2026 | 📂 Category: Ahmedabad

સ્વચ્છતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જેમના શિરે નૈતિક જવાબદારી છે, તેવા જ શાસક પક્ષ ભાજપના પદાધિકારીઓ દ્વારા જાહેરમાં કાયદાના લીરેલીરા ઉડાડવાની શરમજનક ઘટના અમદાવાદના નરોડા પંથકમાં સામે આવી છે. 5 નવેમ્બરની મોડી રાત્રે અતિ સંવેદનશીલ ગણાતા 108 ઇમરજન્સી કોલ સેન્ટરની સામેના મુખ્ય જાહેર માર્ગ પર કિશોર ઠાકોર નામના શખ્સના જન્મદિવસની બેફામ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સરદારનગર વોર્ડ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના મહામંત્રી રમેશ ભરવાડ (બાંભા) સહિતના સમર્થકો લક્ઝુરિયસ કારોના કાફલા સાથે પહોંચ્યા હતા. રોડ વચ્ચે 7 જેટલી કાર ઊભી રાખી, બોનેટ પર કેક મૂકી અને રસ્તા પર ભારે ગંદકી ફેલાવી સામાન્ય રાહદારીઓ તેમજ ઇમરજન્સી વાહનોની અવરજવર જોખમમાં મૂકી દેવામાં આવી હતી. જોકે, પોલીસની ગાડી આવતી જોતાં જ તમામ તત્વો કાર લઈને નાસી છૂટ્યા હતા. આ મામલે નરોડા પોલીસે ભાજપ નેતા રમેશ ભરવાડ સહિત 7 કારચાલકો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.

108 સેન્ટર સામે 7 કારનો કાફલો ખડકી કર્યો હલ્લો

5 નવેમ્બરની મોડી રાત્રે નરોડા સ્થિત 108 હેડક્વાર્ટર/કોલ સેન્ટર સામેના મુખ્ય જાહેર રસ્તા પર કિશોર ઠાકોરના બર્થડે નિમિત્તે મેળાવડો જામ્યો હતો.એકસાથે સાત જેટલી લક્ઝુરિયસ ગાડીઓ રસ્તાની વચ્ચે પાર્ક કરીને રસ્તો બ્લોક કરી દેવાયો હતો. કારના બોનેટ અને છત પર કેક મૂકીને ફટાકડા ફોડી જોરજોરથી અવાજ કરી રોડ પર કચરો અને ગંદકી ફેલાવવામાં આવી હતી. જાહેર રસ્તા પર હંગામો મચાવી અન્ય વાહનચાલકો અને રાહદારીઓની જિંદગી જોખમમાં મૂકતી આ હરકત અંગે પોલીસને જાણ થતાં જ નરોડા પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસનો સાયરન સાંભળતાં જ હાજર ટોળું પોતાની ગાડીઓ હંકારીને અંધારામાં ફરાર થઈ ગયું હતું.

BJYM મહામંત્રી રમેશ ભરવાડની ફોર્ચ્યુનર સામે ગુનો

 તપાસ દરમિયાન BJYM સરદારનગર વોર્ડના મહામંત્રી રમેશ ભરવાડ ઉર્ફે બાંભાની GJ 18 EC 85 નંબરની ફોર્ચ્યુનર કાર પણ આ ગેરકાયદે પાર્ટીમાં સામેલ હોવાનું અને તેઓ પોતે સ્થળ પર હાજર હોવાનું પુરવાર થયું હતું. નરોડા પોલીસે જાહેર રસ્તા પર અડચણ ઊભી કરવા, ગંદકી ફેલાવવા, જાહેર શાંતિનો ભંગ કરવા તેમજ લોકોના જીવ જોખમાય તે રીતે વાહનો મૂકી ન્યુસન્સ ફેલાવવા બદલ કિશોર ઠાકોર, BJYM નેતા રમેશ ભરવાડ સહિત અન્ય ૬ કારના માલિકો સામે કાયદેસરનો ગુનો નોંધ્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરીને ઉજવણીમાં સામેલ અન્ય તમામ ગાડીઓના નંબર મેળવી તેમના ચાલકો સામે પણ કાયદાનો ગાળિયો કસવાની કવાયત શરૂ કરી છે.

આ પણ વાંચો: Surat: ઉધના સ્ટેશનનો 15,000 ની ક્ષમતાવાળો હોલ છલકાઈ ગયો; ટ્રેન પકડવા શ્રમિકો 24 કલાક અગાઉથી લાઈનમાં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *