Ahmedabad: મકરબા બ્રિજની ડિઝાઇનની ભૂલ ઢાંકવા AMCનો નવો તાયફો; કરોડોના ખર્ચે SG હાઈવેને જોડતો રોડ 40 મીટર પહોળો કરાશે

📅 Published: October 3, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઈજનેરો અને કોન્ટ્રાક્ટરોનું ખોટું પ્લાનિંગ પ્રજાના ટેક્સના પૈસાનો કેવો ધુમાડો કરે છે, તેનો જીવતો-જાગતો પુરાવો એસજી હાઈવે પર આવેલો મકરબા બ્રિજ બન્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનને લઈને ફરી એકવાર મોટો વિવાદ સપાટી પર આવ્યો છે. બ્રિજ બન્યા બાદ પણ ટ્રાફિક સમસ્યા યથાવત રહેતાં હવે પોતાની આ ક્ષતિ છુપાવવા માટે કોર્પોરેશને વધારાનો આંધળો ખર્ચ કરીને રોડ પહોળો કરવાની નવી કવાયત હાથ ધરી છે.

રોડ પહોળો કરવાની નવી કવાયત હાથ ધરી

કેપ્સ્યુલ ડિઝાઇન સંપૂર્ણ ફ્લોપ

શરૂઆતથી જ ચર્ચામાં રહેલા મકરબા ફ્લાયઓવરની કહેવાતી ‘કેપ્સ્યુલ ડિઝાઇન’ ટ્રાફિકનું ભારણ હળવું કરવામાં સાવ નિષ્ફળ સાબિત થઈ છે. બ્રિજ ચાલુ થયા છતાં નીચે પીક-અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ આખી ડિઝાઇન કોન્ટ્રાક્ટર અને ઇજનેરોની મોટી ભૂલ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવા છતાં AMCનું વહીવટી તંત્ર આ ભૂલ સત્તાવાર રીતે સ્વીકારવા તૈયાર નથી.

450 મીટરનો રોડ વોલ-ટુ-વોલ 40 મીટર પહોળો કરાશે

પોતાની ખામી ઢાંકવા અને લોકોને ટ્રાફિકથી રાહત આપવાના બહાને કોર્પોરેશને હવે રસ્તા પર વધારાનો ખર્ચ કરવાનો માર્ગ અપનાવ્યો છે.મકરબા બ્રિજ નીચે એસજી હાઈવે પર આવેલા 450 મીટર લાંબા રોડને વોલ-ટુ-વોલ પહોળો કરવામાં આવી રહ્યો છે.હાલનો સાંકડો 16 મીટરનો રોડ વધારીને સીધો 40 મીટર પહોળો કરવાની કામગીરી મ્યુનિસિપલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.જોકે, શહેરીજનો અને જાગૃત નાગરિકોમાં એ સવાલ જોર પકડી રહ્યો છે કે પહેલાં પ્લાનિંગ વગર બ્રિજ બનાવી કરોડો રૂપિયા ખર્ચ્યા અને હવે તેની ભૂલ સુધારવા ફરી પ્રજાના પૈસે રોડ તોડી પહોળો કરવાનો તાયફો કેમ? કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાને બદલે તેને છાવરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Botad: ખોટી નંબર પ્લેટનો ગુનો ન નોંધવા 22 હજારની લાંચ લેતો GRD જવાન ઝડપાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *