Ahmedabad: રાજસ્થાનથી બે લક્ઝરી બસમાં લવાયેલું રૂ.1.61 લાખનું 408 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર જપ્ત

📅 Published: August 21, 2026 | 📂 Category: Ahmedabad

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાંકરિયા દેડકી ગાર્ડન પાસેના પાર્કિંગમાં તપાસ હાથ ધરીને રાજસ્થાનથી બે લક્ઝરી બસો મારફ્તે લવાયેલો રૂ. 1.61 લાખની કિંમતનો 408 કિલો શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. 20 ઓગસ્ટે મળેલી બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમે દરોડો પાડી જયકાર ટ્રાવેલ્સમાંથી ભોલેનાથ મિલ્ક પ્રોડક્ટ્સ (પ્રતાપનગર) તથા ટાઈગર ટ્રાવેલ્સમાંથી વેરાયટી પ્રોડક્ટ્સ (પાલી, રાજસ્થાન) દ્વારા મોકલાયેલો લો-ફેટ પનીરનો જથ્થો કબજે કરી વેચાણ અર્થે સ્થગિત કર્યો હતો અને કોલ્ડસ્ટોરેજમાં મુકાવી સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, નરોડા અને મણિનગરના બે ઈસમો શહેરમાં ફેરી કરીને આ પનીર વેચતા હતા. બોક્સ પર રૂ. 400થી 450ની મહત્તમ છૂટક કિંમત (એમઆરપી) છાપેલી હોવા છતાં, આરોપીઓ રાજસ્થાનથી રૂ. 240ના ભાવે માલ ખરીદીને શહેરમાં રૂ. 250 કે તેથી વધુ ભાવે સસ્તામાં પધરાવતા હતા. ડેઝિગ્નેટેડ ઓફ્સિર તેજસ શાહના જણાવ્યા મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ આ 100 ટકા બનાવટી એનાલોગ પનીર છે. હાલ લેબોરેટરીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરના કડક પગલાં લેવાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *