Ahmedabad : રાજ્યમાં ધમકીભર્યા મેઈલ પાછળ બાંગ્લાદેશી આતંકી સંગઠન, 2 ઝબ્બે, 5 લાખ મેઈલ મળ્યા

📅 Published: September 14, 2026 | 📂 Category: Ahmedabad

રાજયમાં છેલ્લા ઘણા સમયથી કોર્ટ કચેરી, વિધાનસભા,સચિવાલય,શાળા-કોલેજોને ધમકી ભર્યા ઈમેઈલ મોકલવાના કેસમાં સાયબર સેલે બાંગ્લાદેશી કનેકશન ધરાવતા 2 યુવકોની બિહાર,ઝારખંડથી ધરપકડ કરી છે. બાંગ્લાદેશી આતંકી સંગઠનના દિશાનિર્દેશ આધારે યુનિક મેઈલ આઈડીથી દેશમાં બ્લાસ્ટની ધમકીના મેઈલ મોકલાતા હતા.એટલું જ નહિ તાજેતરમાં દિલ્હીમાં યોજોયેલા બ્રિક્સ સંમેલનમાં પણ ભારતને સહકાર આપતા દેશોને પણ ધમકી આપતા મેઈલ કર્યાં હતા. હાલમાં આરોપીઓ પાસેથી કુલ 5,13,847 યુનિક મેઈલ આઈડી મળી આવ્યા છે જેને બનાવવા ઓથેન્ટીકેશન પ્રક્રિયાને જટીલ પધ્ધતિનો ઉપયોગ કરી બાયપાસ કરી હતી. આરોપી બાંગ્લાદેશી સંગઠન પાસેથી આર્થિક સહાય ક્રિપ્ટોમાં મેળવતો અને તેઓની સૂચના મુજબ દહેશત ફેલાવતો હતો. આ આરોપીઓ દ્વારા યુનિક મેઈલ આઈડી બાંગ્લાદેશી સંગઠનના સાગરિતોને પણ મોકલી આપ્યા છે.

સાયબર સેન્ટરની ટીમે ગત તા.10મીના રોજ ગુજરાત સરકાર ના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગને મળેલા બ્લાસ્ટની ધમકીના મેઈલની તપાસ શરૂ કરતા ઈ-મેઈલ બિહારના ભાગલપુરથી ઓપરેટ થતો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે રોશન રાજેન્દ્રકુમાર ભૂમિહારને બિહારથી પકડી પૂછપરછ કરતા સ્પષ્ટ થયું કે, આ મેઈલ આઈડી ઝારખંડના દેવધરના ગુલશનકુમાર કૌશલસિંગે આપ્યું હતું. પોલીસે દેવધરથી ગુલશનને પકડી પૂછપરછ કરતા આરોપીએ દહેશત ફેલાવવા માટે કુલ 5,13,847 યુનિક ઈ- મેઈલ આઈડી બનાવ્યા હતા. આ મેઈલ આઈડી-પાસવર્ડ ધરાવતું લીસ્ટ પોલીસને મળ્યું હતું. જેનો ઉપયોગ જૂદી જૂદી સરકારી કચેરી, શાળા, કોલેજો, કોર્ટોને ધમકીભર્યા મેઈલ મોકલવા તેમજ અન્ય સાયબર ક્રાઈમની પ્રવૃત્તિ આચરવા માટે થતો હતો. ગુલશનકુમારને બાંગ્લાદેશી સંગઠન દ્રારા આ માટે આર્થિક મદદ મળતી હતી. યુનિક મેઈલ આઈડીનું લીસ્ટ આરોપી દ્વારા બાંગ્લાદેશી સાગરિતોને પણ મોકલાયુ છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. આ વોલેટમાં આરોપીને બાંગ્લાદેશી સાગરિતો દ્વારા કેટલા યુએસડીટી મોકલવામાં આવ્યા તેમજ અન્ય કઈ જગ્યાએથી આરોપી પાસે યુએસડીટી આવ્યા તેનો ઘટસ્ફોટ થશે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી વિવેક ભેડાએ જણાવ્યું હતું કે, 2022થી આ પ્રવૃત્તિ આરોપીઓ દ્વારા ચલાવાતી હતી. ગત તા.10મીનો ધમકીભર્યો મેઈલ આરોપી રોશનકુમારે કર્યો હતો. આરોપીઓ દ્વારા છેલ્લા 3થી 4 દિવસના ગાળામાં દેશભરમાં ધમકીના 14 હજાર મેઈલ કરાયાની વિગતો મળી છે. આ મેઈલમાંથી આરોપીઓ દ્વારા બનાવેલા કેટલા યુનિક મેઈલ આઈડીનો ઉપયોગ થયો તેની તપાસ ચાલુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *