અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ફરી એકવાર દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. કુખ્યાત બુટલેગર કિશોરસિંહ રાઠોડ ઉર્ફે કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડ સામે રોંગ સાઇડમાં કાર ચલાવી એક્ટિવા ચાલક સાથે ઝઘડો અને મારામારી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. નવરંગપુરા પોલીસે આ કેસમાં આદિત્ય રાઠોડ અને વિશ્વરાજસિંહ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રોંગ સાઇડમાં કાર લાવી ઝઘડો કર્યાનો આરોપ
મળતી માહિતી મુજબ બુધવારે CG રોડ પર ગિરીશ કોલ્ડ્રિંક નજીક બંને આરોપીઓ રોંગ સાઇડમાં કાર લઈને આવ્યા હતા. આ દરમિયાન એક્ટિવા ચાલક સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક્ટિવા ચાલક સાથે મારામારી કરવામાં આવી અને ધાકધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી
બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈને તેમની સામે મારામારી અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળનું પંચનામું પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આદિત્ય રાઠોડ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા
પોલીસ માહિતી મુજબ આદિત્ય રાઠોડ વિરુદ્ધ અગાઉ પણ નવરંગપુરા, રાજકોટ અને ગાંધીનગરમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર ગુનાઓમાં નામ સામે આવતાં હવે આ કેસમાં પણ નવરંગપુરા પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની કાર્યવાહી બાદ ચર્ચા ગરમ
રોંગ સાઇડમાં કાર ચલાવ્યા બાદ એક્ટિવા ચાલક સાથે થયેલી મારામારી અને ધમકીના બનાવને લઈને વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
