અમદાવાદ પૂર્વના વિરાટનગર વોર્ડમાં આવેલા નિકોલ ગામ રોડ પર સરદાર મોલથી કોઠિયા હોસ્પિટલ સુધીનો રસ્તો ભારે બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
એક વર્ષ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોડ પર ઉત્તર દિશામાં રોડ લાઈનના અમલીકરણ માટે દબાણો હટાવવામાં આવ્યા હતા. જોકે, દબાણ હટાવ્યાને એક આખું વર્ષ વિતી જવા છતાં આ જગ્યા પર નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી. પરિણામે જૂના અને અડધા બનેલા રસ્તાની ધાર બરાબર રોડની વચ્ચે આવી ગઈ છે. રસ્તા વચ્ચે આવેલી આ ધારના કારણે અવારનવાર વાહનો સ્લિપ થઈ રહ્યા છે.
ખાસ કરીને ચોમાસા દરમિયાન રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને આ ધાર દેખાતી નથી, જેના લીધે ટુ-વ્હીલર ચાલકો દરરોજ નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અકસ્માતો ઉપરાંત, ઉડતી ધૂળ અને ટ્રાફ્કિની સમસ્યાથી રોડની બંને બાજુ આવેલી આશરે 100થી વધુ દુકાનોના વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
સ્થાનિકોનું કહેવું છે નિકોલ અનેવિરાટનગરની પ્રજા મ્યુનિસિપલ કોર્પોરેશનની આળસનું પરિણામ ભોગવી રહી છે. વિરાટનગર, નિકોલ અને કઠવાડાના હજારો નાગરિકો તથા વાહનચાલકોના હિતમાં સરદાર મોલથી કોઠિયા હોસ્પિટલ થઈને વેરા સુધીનો આખો રોડ તાત્કાલિક અસરથી નવો બનાવવામાંઆવે તેવી લોકમાંગણી છે.
