Ahmedabad: વિશાલા-પીપળજ રોડ પર ડ્રેનેજમાં ખાબકી 9 વર્ષની બાળકી, 15 કલાક વીત્યા છતાં કોઈ પત્તો નહીં!

📅 Published: October 11, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને સ્થાનિક વહીવટી તંત્રની ગુનાહિત બેદરકારીનો વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વિશાલાથી પીપળજ જવાના મુખ્ય માર્ગ પર ખુલ્લી પડેલી ડ્રેનેજ લાઈનમાં 9 વર્ષની માસૂમ બાળકી અચાનક ખાબકી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને આક્રોશ ફેલાયો છે. દુર્ઘટનાને 15 કલાક કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં ગટરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયેલી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી, જેના કારણે પરિવારજનોમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે.

15 કલાકથી નદીના ત્રણ પટમાં સઘન તપાસ

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી.ડ્રેનેજ લાઈનમાં પાણીનો પ્રવાહ ખૂબ તેજ હોવાથી બાળકી આગળ મેગા પાઇપલાઇન મારફતે સાબરમતી નદી તરફ ખેંચાઈ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા અલગ-અલગ 3 સ્થળોએ નદીના પટ તેમજ મુખ્ય ડ્રેનેજ આઉટલેટ્સ પાસે બોટ અને સર્ચ લાઈટ્સની મદદથી સઘન તપાસ કરવામાં આવી રહી છે.લાંબી શોધખોળ અને ભારે જહેમત છતાં હજુ સુધી બાળકી અંગે કોઈ સગડ મળ્યા નથી.

ખુલ્લી ડ્રેનેજ સામે તંત્રની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો

આ ગંભીર બનાવને પગલે સ્થાનિક રહીશો અને નાગરિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.જાહેર માર્ગ પર આવેલી આટલી મોટી ડ્રેનેજ લાઈન પર ઢાંકણું કેમ નહોતું?જો કોઈ કામગીરી ચાલી રહી હતી તો તેની આસપાસ ચેતવણી બોર્ડ કે સુરક્ષા બેરિકેડ્સ કેમ ન મૂકવામાં આવ્યા?શું દર વખતે કોઈ માસૂમનો જીવ જોખમમાં મુકાયા પછી જ તંત્ર ઊંઘમાંથી જાગશે?ડ્રેનેજની નબળી સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની ઘોર ઢીલાશ સામે હવે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

આ પણ વાંચો: Gandhinagar: થરામાં 95 વર્ષના ગજરાબેન અને ગાંધીનગરમાં 91 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન, બૂથો પર લાગી લાંબી કતારો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *