Ahmedabad: શહેરમાં પીક અવર્સમાં ભારે વાહનોની ખુલ્લેઆમ અવરજવર, ટ્રાફિક પોલીસ કેમ આવા ડમ્પર ચાલક સામે ઘૂંટણિયે?

📅 Published: October 21, 2026 | 📂 Category: Ahmedabad

સ્માર્ટ સિટી અમદાવાદના માર્ગો પર પૂરપાટ ઝડપે દોડતા ભારે વાહનો અને ખાસ કરીને કાળમુખા ડમ્પરો જાણે સામાન્ય જનતા માટે સાક્ષાત યમરાજ બનીને ફરી રહ્યા છે. શહેરના વ્યસ્ત માર્ગો પર સવારના પીક અવર્સ દરમિયાન સવારે 8 થી 11 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર સ્પષ્ટ નો-એન્ટ્રી હોવા છતાં, ડમ્પર ચાલકો બિન્દાસપણે નિયમોના લીરેલીરા ઉડાવીને શહેરી વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે.

અમદાવાદના માર્ગો પર પૂરપાટ ઝડપે દોડતા ભારે વાહનો 

સામાન્ય વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લઈને કચડી નાખવાના બનાવોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. સત્તાવાર ચોપડે નોંધાયેલા આંકડા અનુસાર શહેરમાં ડમ્પરોની ટક્કરથી વર્ષે સરેરાશ 20 થી વધુ નિર્દોષ નાગરિકો પોતાના કિંમતી જીવ ગુમાવી રહ્યા છે. આટલા મોટા પાયે થતા મોતના તાંડવ છતાં ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા નાગરિકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે.

પીક અવર્સમાં નો-એન્ટ્રીના નિયમો માત્ર કાગળ પર

શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓ અને ઓફિસે નીકળતા નોકરિયાતો માટે સવારે 8 થી 11 નો સમય સૌથી વ્યસ્ત હોય છે. ટ્રાફિક નિયંત્રણ માટે આ સમયગાળામાં ભારે વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ પ્રતિબંધ હોવા છતાં એસ.જી. હાઈવે, એસ.પી. રિંગ રોડથી અંદર આવતા એપ્રોચ રોડ તેમજ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના મુખ્ય માર્ગો પર પૂરપાટ ઝડપે ડમ્પરો દોડતા નજરે પડે છે.ટ્રાફિક સિગ્નલ કે સર્કલ પર ઊભેલી ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં આ વાહનોને કેમ રોકવામાં આવતા નથી તે મોટો તપાસનો વિષય બન્યો છે.

વર્ષે 20થી વધુ નિર્દોષો હોમાયા; ક્યારે જાગશે તંત્ર?

ડમ્પર અકસ્માતોની ગંભીરતા દર્શાવતી વાસ્તવિકતા છેલ્લા એક વર્ષના આંકડા મુજબ 20 થી વધુ નિર્દોષ લોકોએ ડમ્પરની સ્પીડ અને બેદરકારીના કારણે અકાળે જીવ ગુમાવ્યા છે, જ્યારે ડઝનબંધ લોકો કાયમી ધોરણે દિવ્યાંગ બન્યા છે.મોટાભાગના અકસ્માતોમાં ઓવરસ્પીડિંગ, આડેધડ ઓવરટેકિંગ અને બ્લાઇન્ડ સ્પોટના કારણે ટૂ-વ્હીલર ચાલકો કે રાહદારીઓ ડમ્પરના પાછળના તોતિંગ ટાયર નીચે કચડાઈ જાય છે.સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર સામાન્ય મેમો ફાડીને સંતોષ માની લેવામાં આવતો હોવાનો આક્ષેપ છે.

જનતા પૂછી રહી છે વહીવટી તંત્રને આકરા સવાલો

ટ્રાફિક પોલીસ અને શહેર પ્રશાસનની ભૂમિકા સામે ઊભા થયેલા વેધક પ્રશ્નો, સવારે 8 થી 11 વાગ્યા સુધી જ્યારે જાહેરનામા મુજબ નો-એન્ટ્રી લાગુ છે, ત્યારે આ ભારે વાહનો શહેરી વિસ્તારમાં પ્રવેશે છે કેવી રીતે?શું ડમ્પર માલિકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે કોઈ અઘોષિત સાંઠગાંઠ ચાલી રહી છે જેના કારણે તેમની સામે આંખ આડા કાન કરવામાં આવે છે?નિયમોનું ઉલ્લંઘન કરનારા ડમ્પરોને જપ્ત કરવા કે તેના ચાલકોના લાયસન્સ કાયમ માટે રદ કરવા જેવી કડક તજવીજ કેમ હાથ ધરાતી નથી?શું શહેરના નાગરિકોનો જીવ આટલો સસ્તો છે કે દર વર્ષે 20-25 પરિવારો પોતાના સ્વજનો ગુમાવે છતાં તંત્ર નિંદ્રામાંથી જાગતું નથી?

આ પણ વાંચો: Tapi: નવરાત્રિ પર્વ પર વાંધાજનક પોસ્ટથી વિવાદ વકર્યો; કોમેન્ટ કરનારા યુવકના ઘર પર ટોળાનો પથ્થરમારો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *