Ahmedabad: સરખેજના બંગલાના ભોંયરામાં MD ડ્રગ્સની ફેક્ટરી ચલાવનારા મુદ્દસરને કોર્ટમાં રજૂ કરાયો, 130 કિલો રો-મટિરિયલ મળ્યું

📅 Published: November 16, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના સરખેજ વિસ્તારમાં બંગલાના ભોંયરામાં ચાલતી એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ તપાસ તેજ કરી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. એનસીબીએ કોર્ટમાં સમગ્ર મામલાની વિગતો રજૂ કરીને આરોપીના 3 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

બંગલાના ભોંયરામાં બનાવી હતી ડ્રગ્સની લેબ

એનસીબીની તપાસ દરમિયાન સરખેજમાં આવેલા બંગલાના ભોંયરામાં એમડી ડ્રગ્સ બનાવવાની લેબ મળી આવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, સ્થળ પરથી એમડી ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું અંદાજે 130 કિલો રો-મટિરિયલ અને 26.67 ગ્રામ તૈયાર એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી અને તેનું કુટુંબ સરખેજમાં રહેતું હોવાનું પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.

2024થી ડ્રગ્સ બનાવતો હોવાનો એનસીબીનો દાવો

એનસીબીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે આરોપી વર્ષ 2024થી એમડી ડ્રગ્સ બનાવવાની પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો. તેણે પોતાના બંગલાના ભોંયરામાં જ ડ્રગ્સ બનાવવા માટે લેબ તૈયાર કરી હતી. આ પ્રવૃત્તિમાં એકથી વધુ લોકો સંકળાયેલા હોવાની આશંકા છે. અન્ય આરોપીઓની ઓળખ અને તેમની સંડોવણી જાણવા માટે વધુ તપાસ જરૂરી હોવાનું એનસીબીએ જણાવ્યું હતું.

રો-મટિરિયલ ક્યાંથી લાવ્યું, ડ્રગ્સ કોને વેચ્યું?

તપાસ એજન્સી હવે 130 કિલો રો-મટિરિયલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને અગાઉ બનાવવામાં આવેલું એમડી ડ્રગ્સ કોને વેચવામાં આવ્યું હતું તેની તપાસ કરી રહી છે. ડ્રગ્સના નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે અને અત્યાર સુધી કેટલા જથ્થાનું ઉત્પાદન થયું છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

રૂ. 1.50 કરોડથી વધુના બંગલાની ખરીદીની તપાસ

એનસીબીએ કોર્ટમાં બંગલાની કિંમત રૂ. 1.50 કરોડથી વધુ હોવાની વિગતો રજૂ કરી હતી. ડ્રગ્સના વેપારમાંથી કમાયેલા નાણાંથી આ બંગલો ખરીદવામાં આવ્યો હતો કે કેમ તે અંગે પણ તપાસ કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. આરોપીના આર્થિક વ્યવહારોની તપાસ કરીને મિલકત અને આવકના સ્ત્રોત વચ્ચેનો સંબંધ ચકાસવામાં આવશે.

આરોપીએ કોર્ટમાં માર માર્યો ન હોવાની વાત કરી

કોર્ટમાં રજૂઆત દરમિયાન આરોપીએ પોતાને કોઈ માર મારવામાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, એનસીબીએ વધુ તપાસ, અન્ય આરોપીઓની ધરપકડ અને નાણાકીય વ્યવહારોની કડીઓ મેળવવા માટે 3 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. 

આ પણ વાંચો :   Explainer : ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વિરોધ, ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ, જાણો, મંદિરોમાં VIP દર્શનનું અલગ જ ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *