Ahmedabad: સાજીપુર બોઘામાં ઘરમાં સૂતી યુવતીની છેડતી, પરિવાર જાગી જતાં આરોપી ફરાર

📅 Published: November 16, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના સાજીપુર બોઘા વિસ્તારમાં ઘરમાં સૂતી યુવતીની છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારના સભ્યો ઘરમાં જ હાજર હોવા છતાં મોડી રાત્રે એક યુવક ઘરમાં ઘૂસી ગયો હતો અને બીજા માળે બેડરૂમમાં સૂતી 30 વર્ષીય યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ છે. યુવતીએ બૂમાબૂમ કરતાં પરિવારજનો જાગી ગયા હતા. ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

રાત્રે 2 વાગ્યે યુવતીની ઊંઘ ઊડી ગઈ

ફરિયાદ મુજબ, 14 નવેમ્બરની રાત્રે યુવતી પોતાના ઘરના બીજા માળે આવેલા બેડરૂમમાં એકલી સૂતી હતી. તેનાં માતા અને ભાઈ રસોડામાં જ્યારે પિતા ઓસરીમાં સૂઈ રહ્યા હતા. મોડી રાત્રે આશરે 2 વાગ્યે યુવતીને પોતાના શરીર પર કોઈ હાથ ફેરવતું હોવાનો અહેસાસ થતાં તે અચાનક જાગી ગઈ હતી. જાગીને જોયું તો તેના જ સમાજનો 19 વર્ષીય પ્રકાશ ઉર્ફે બરમુડો ત્યાં હાજર હતો. યુવતીએ તેને આટલી મોડી રાત્રે ઘરમાં આવવાનું કારણ પૂછ્યું હતું.

બળજબરીથી સંબંધ બાંધવાની માગણીનો આરોપ

યુવતીના આક્ષેપ મુજબ, આરોપીએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાની અશોભનીય માગણી કરી હતી અને તેને બાથમાં લઈ લીધી હતી. યુવતીએ વિરોધ કરીને બૂમાબૂમ કરતાં નીચે સૂઈ રહેલા માતા-પિતા અને ભાઈ જાગી ગયા હતા અને ઉપર દોડી આવ્યા હતા. પરિવારજનોને આવતા જોઈ આરોપી પ્રકાશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

હિંમત મળતાં પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો

ઘટના બાદ શરૂઆતમાં ગભરાઈ જવાના કારણે પરિવાર પોલીસ ફરિયાદ કરવા ગયો નહોતો. જોકે, સમાજના આગેવાનો અને માતા-પિતાએ હિંમત આપતાં યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરી

યુવતીની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે છેડતી સહિતની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી 19 વર્ષીય પ્રકાશ ઉર્ફે બરમુડોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો :   Explainer : ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વિરોધ, ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ, જાણો, મંદિરોમાં VIP દર્શનનું અલગ જ ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *